<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

વી.વી.પી. સંચાલિત ઇન્‍દુભાઇ પારેખ સ્‍કુલ્‍સ ઓફ આર્કિટેકચર અને કીચ સ્‍કુલ ઓફ ડીઝાઇન દ્વારા

આવતી કાલથી ૩ દિવસના વિદ્યાર્થી મહોત્‍સવ ઇવેન્‍ટનો પ્રારંભઃ વી.વી.પી.સંચાલિત ઇન્‍દુભાઇ પારેખ સ્‍કૂલ ઓફ આર્કિટેકચર (આઇપીએસએ) અને કેએસડી (કીચ સ્‍કુલ ઓફ ડિઝાઇન) દ્વારા વાર્ષિક વિદ્યાર્થી મહોત્‍સવ Melange-24 નું દ્રષ્‍ટિપુર્ણ આયોજનઃ કનેકટીંગ ડોટસની થીમ પર આધારિત Melange-24 માં દેશ વિદેશના સુખ્‍યાત આર્કિટેકટસ, ડિઝાઇનર્સ અને વિદ્યાર્થીઓ વિચાર મંથનઃ વિખ્‍યાત લોકગાયક ઓસમાણ મીર, મ્‍યુઝીકલ બેન્‍ડ અન ેસ્‍ટુડન્‍ટસ પોતાના જાનદાર રફોર્મન્‍સથી સાંસ્‍કૃતિક સંધ્‍યામાં જમાવટ કરશે

રાજકોટઃ સૌરાષ્‍ટ્રની સૌપ્રથમ અને આર્કિટેકચરનું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્‍થા એવી શ્રી ઇન્‍દુભાઇ પારેખ સ્‍કુલ ઓફ આર્કિટેકચર (IPSA)ની સ્‍થાપનાના મૂળમાં એક વિચારબીજ રહેલ હતું. એ બીજ અંતર્ગત આ સંસ્‍થાના વિદ્યાર્થીઓ આર્કિટેકચર અને ડિઝાઇનીંગ ક્ષેત્રના વૈશ્વીક પ્રવાહો અને આધુનિક વિચારોના સઘન અભ્‍યાસ દ્વારા અને સૌરાષ્‍ટ્ર પ્રદેશના લોકોને અનુકુળ આર્કિટેકચર અને ડિઝાઇનીંગના વિકલ્‍પો તૈયાર કરશે અને અહીંના પ્રશ્નોને હલ કરવાના હેતુથી પ્રદાન કરશે કાર્ય કરશે. એ વિચારને આત્‍મસાત કરી એના અમલ દ્વારા સ્‍થાપનાના પ્રથમ વર્ષથી લઇ આ સંસ્‍થા વિદ્યાર્થીઓને તો કારકીર્દીનો એક ઉતમ અવસર અને વ્‍યવસાયિક જ્ઞાન તો આપી જ રહી છે, સાથોસાથ અહીંના જનસમુદાયની પણ ચિંતા અને આર્કિટેકચર સ્‍થાપત્‍યકલા અને ડિઝાઇનીંગ(સંરચના)ના સિધ્‍ધાંતો અને સંશોધન મુજબ તેના ઉકેલ માટે પ્રયત્‍નશીલ છે. અહીંના વિદ્યાર્થીઓને અભ્‍યાસની સાથોસાથ રચનાત્‍મક પ્રવૃતિઓ માટે પણ પ્રોત્‍સાહીત કરાય છે અને એમની ભીતર રહેલ પ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે. વિદ્યાર્થી પ્રતિભાના નિદર્શનના પ્‍લેટફોર્મ સમાન આવી જ એક પ્રવૃતિ એટલે Melange.

Melange એ IPSAના વિદ્યાર્થીઓ દ્વારા હર સાલ યોજાતી ઇવેન્‍ટ એટલે કે વાર્ષિકોત્‍સવ છે. ડાયનેમિક થીંકીંગ ધરાવતા વિદ્યાર્થીઓ તેમના નિષ્‍ણાંત માર્ગદર્શક અધ્‍યાપકો સાથે વિમર્શ કરી આ ઇવેન્‍ટનું થીમ પ્રતિવર્ષ બદલતા રહે છે. આ વર્ષે તારીખ ર૦/ર૧/રર ડિસેમ્‍બર એમ ત્રણ દિવસ કાલાવડ રોડ પર આઇપીએસએ ના કેમ્‍પસ ખાતે આ ઇવેન્‍ટ ખાતે આ ઇવેન્‍ટ યોજાશે. Melange-24ના ઉદઘાટન સમારોહના મુખ્‍ય અતિથી તરીકે લોકભારતી યુનિવર્સીટી ફોર રૂરલ ઇનોવેશન-સણોસરાના વાઇસ પ્રોવેસ્‍ટ ડો. વિશાલ ભાદાણી રહેશે.આ વર્ષની થીમ છે કનેકટીંગ ડોટસ. સાઇટ, નિર્માણનો ઉદેશ, પ્રશ્નો અને પ્રોજેકટ આ બધાં મહત્‍વના મુદાઓ છે. કયા દ્રષ્‍ટિબીંદુથી પ્રારંભ કરવો અને કયું પાસુ સૌથી પડકાર જનક છે? આ અલગ અલગ પાસાઓને ધ્‍યાનમાં રાખી અને ડિઝાઇન અને સ્‍થાપત્‍યની શકિત દ્વારા આ પડકારને કઇ રીતે ઝીલી શકાય? એ અંગે Melange-24માં વિમર્શ થશે. અહીં વિવિધ દ્રષ્‍ટિબિંદુઓ જેવાકે સમાજ, પર્યાવરણ, જીવનશૈલી, ઉર્જા, પરિવારજીવન વગેરેનો વિનિયોગ કરી અને મુલ્‍યો આધારીત સમાજ જીવનના ઘડતર અન ેતે વધુ સુવિધામય પરંતુ મુલ્‍યવાન બને અને આર્કિટેકચર કે ડિઝાઇન પ્રવૃતિઓમાં મુલ્‍યો અંગે સભાનતા અને જાગૃતિ આવે તે અંગે વૈશ્વીક મનોમંથન થશે. ઇવેન્‍ટના ભાગરૂપે જ વિદ્યાર્થીઓની કૃતિઓના અને પ્રોફે પર્સી આદિલ પીઠાવાલાના ગણમાન્‍ય પ્રોજેકટસના એકઝીબીશનનું પણ આયોજન છે.

Melange-24 માં સુખ્‍યાત આર્કિટેકટસ અને ડિઝાઇનીર્સ તેમજ આ વિષયના વિદ્વાન પ્રોફેસર્સનું રાજકોટમાં આગમન થશે અને તેઓ પોતાના સંશોધનો અને તારણો રજુ કરશે. અમદાવાદથી શ્રી હિરેન પટેલ, શ્રીલંકાના શ્રીજયવર્દનેપુરાથી શ્રી પાલિન્‍દા કન્નનગારા, બેંગાલુરૂથી શ્રી સેન્‍થીલકુમાર દોસ તથા શ્રી મીતા જૈન, બેલગાવી(કર્ણાટક) થી શ્રી પ્રતાપ બાવડેકર, પુણેથી ઇન્‍ટીરીયર ડિઝાઇન નિષ્‍ણાંત શ્રી પ્રતાપ જાધવ, વડોદરાથી પ્રોફે.પર્સી આદિલ પીઠાવાલા, અમદાવાદથી આનંદ સાનેચા તથા આર્કિટેકચર-ફોટોગ્રાફર શ્રી નૌમાન મલિક જેવા તજજ્ઞો સમારોહના મંચ પર મંથન કરશે.આઇપીએસએના કેન્‍દ્રમાં સૌરાષ્‍ટ્ર પ્રદેશ છે તેથી આ ઇવેન્‍ટ અંતર્ગત યોજાનાર સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં પ્રખ્‍યાત લોકગાયકશ્રી ઓસમાણમીર સૌરાષ્‍ટ્રનો ધબકતો મીજાજ સંગીતમય રીતે રજુ કરશે. ત્રણ પૈકી એક સાંજે મ્‍યુઝિકલ બેન્‍ડ સ્‍પંદિત માહોલ ઉભો કરશે. આઇપીએસએમાં વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે વિવિધ કલબ્‍સ કાર્યરત છે જેમાં પોએટ્રી કલબ, મ્‍યુઝિકલ કલબ, ડ્રામા કલબ, ડાન્‍સીંગ કલબના મેમ્‍બર્સ પોતાની વિવિધ પ્રતિભાઓ રજુ કરશે.

સંસ્‍થાની યાદી મુજબ આ આયોજનમાં ઓમ માર્બલ, ઇન્‍ડિયાન ઇન્‍સિટીટયુટ ઓફ ઇન્‍ટીરીયર ડિઝાઇન જેવા સ્‍પોન્‍સર્સનો પ્રોત્‍સાહક સહકાર મળ્‍યો છે. તા.ર૦ થી રર ડિસેમ્‍બર દરમ્‍યાન વી.વી.પી. સંચાલિત ઇન્‍દુભાઇ પારેખ સ્‍કુલ ઓફ આર્કિટેકચર, વી.વી.પી. કેમ્‍પસ, મોટેલ ધ વિલેજની સામે, વીરડા-વાજડી, કાલાવડ રોડ ખાતે યોજાનાર પ્રસ્‍તુત ત્રિદિવસીય વાર્ષિક વિદ્યાર્થી મહોત્‍સવનો લાભ લેવા સંસ્‍થાના ટ્રસ્‍ટીગણ નિયામકશ્રી આર્કિટેકટ કિશોરભાઇ ત્રિવેદી તથા શ્રી દેવાંગભાઇ પારેખે ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.

આ કાર્યક્રમના આયોજન બદલ સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ શ્રી કૌશીકભાઇ શુકલ, ડો.સંજીવભાઇ ઓઝા, શ્રી હર્ષલભાઇ મણીઆર, ડો.નરેન્‍દ્રભાઇ દવે, ડો.નવીન ભાઇ શેઠ તથા ઇન્‍દુભાઇ પારેખ સ્‍કુલ ઓફ આર્કિટેકચર કોલેજના નિયામકશ્રી કિશોરભાઇ ત્રિવેદીએ તમામ કર્મચારીગણ તથા વિદ્યાર્થીગણને શુભેચ્‍છા પાઠવેલ છે.

(11:47 AM IST)