News of Thursday, 19th December 2024
મોરબીના યોગેશને અમદાવાદ પોલીસે ૩ાા કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે દબોચ્યોઃ બેંગકોકથી લાવ્યો'તો
એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. બી. પટેલ અને ટીમની કામગીરીઃ સિરામીકમાં સાથે કામ કરતી પુનાની નીધિના કહેવાથી નાસિકના પ્રીતમ સાથે બેંગકોક ગયોઃ ત્યાંથી સાયલી નામની યુવતિએ પાર્સલ આપ્યુ હતું

રાજકોટ તા. ૧૯: અમદાવાદ શહેર જે-ડિવીઝન પોલીસે મોરબીમાં પંચાસર રોડ પર નિત્યાનંદ પાર્કમાં રહેતાં મુળ જુના સાર્દુળકાના વતની એવા યોગેશ રતિલાલ દસાડીયા-પટેલ (ઉ.વ.૩૦) નામના શખ્સને અમદાવાદમાં વાહન ચેકીંગ વખતે સરદાર પટેલ રીંગ રોડ પાસે રોપડા ચેકપોસ્ટ ખાતેથી રૂા. ૩ કરોડ ૫૯ લાખ ૯૧ હજારની કિંમતના ૧૨ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે પકડી લીધો છે. આ શખ્સ છેક બેંગકોકથી આ ગાંજો લાવ્યાનું ખુલ્યું છે.
ટીમ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલા શખ્સને અટકાવી તલાસી લેતાં તેની પાસેના બે થેલામાંથી ૧૨ કિલો હાઇબ્રીડ ગાંજો મળતાં પોલીસ ચોંકી ગઇ હતી. આ ગાંજાની કિમત સાડા ત્રણ કરોડથી વધુની થાય છે. આ શખ્સ પાસેથી થાઇ એરલાઇન્સ ફલાઇટ બેંગકોકથી મુંબઇની એર ટિીકટ, પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, મોબાઇલ ફોન, ટ્રાવેલીંગ બેગ, ગાંજો મળી કુલ રૂા. ૩,૬૦,૧૨,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
તેની વિશેષ પુછતાછ કરવામાં આવતાં તેણે કબુલ્યું હતું કે પોતે અગાઉ સિરામીક કંપનીમાં કામ કરતો હતો ત્યારે પુના મહારાષ્ટ્રની નીધિ નામની યુવતિ પણ સાથે કામ કરતી હોઇ ઓળખાણ થઇ હતી. નીધિએ તેને કહેલુ કે તારે રૂપિયાની જરૂર હોય તો વિદેશથી પાર્સલ લાવી આપ, તને આ કામના ૭૦ હજાર આપીશ. આ પછી તે નીધિના કહેવાથી નાસિકના પ્રીતમ નામના શખ્સ સાથે બેંગકોક ગયો હતો. જ્યાં સાયલી નામની મહિલાએ હોટેલના કાઉન્ટર પર એક પાર્સલ આપ્યું હતું. આ પાર્સલ લઇ યોગેશ મુંબઇ એરપોર્ટ પર ઉતરતાં અને નીધિને ફોન કરતાં તેણીએ હવે તારે આ પાર્સલ લઇ ગુજરાત પહોંચાવાનું છે. જેથી તે ટ્રાવેલ્સ બસમાં મુંબઇથી અમદાવાદ આવ્યો હતો. અહિ રોપડા ચેકપોસ્ટ નજીક ઉતરી મોરબી જવા વાહન શોધતો હતો. ત્યાં જ પોલીસે પકડી લીધો હતો. અમદાવાદ શહેર વટવા પોલીસની ટીમે આ કામગીરી કરી હતી. પુછતાછમાં યોગેશે એ પણ કબુલ્યું હતું કે પોતાને હાલ કામધંધો ન હોઇ જીવન નિર્વાહ માટે વિદેશથી આ રીતે નશાકારક પદાર્થની હેરાફેરીના રવાડે ચડી ગયો હતો. અગાઉ આવી કેટલી ટ્રીપ કરી છે? કોને કોને આવો પદાર્થ આપ્યો છે? તેની તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિક, જેસીપી સેક્ટર-૨ જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ રવિમોહન સૈનીની સુચના હેઠળ એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પીઆઇ પી. બી. ઝાલા, પીએસઆઇ એ. બી. ગંધા, હેડકોન્સ. યુવરાજસિંહ, કોન્સ.ગોૈરાંગભાઇ, રાજદિપસિંહ, રવિભાઇ, એઝાઝ ખાન, આશિષભાઇ, હરિヘંદ્રસિંહ, અશ્વિનભાઇ સહિતે આ કામગીરી કરી હતી.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
