<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

પોલીસ ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે 15 ગ્રાઉન્ડ નોડલ અધિકારીઓની વિગતો જાહેર

જાન્યુઆરી મહિનાના બીજી સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે

અમદાવાદ :પોલીસ ભરતીને લઈ મહત્વનાં સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી મહિનાના બીજી સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજવાની છે. ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયા પર પોલીસ ગ્રાઉન્ડની વિગતોની માહિતી ફરતી થઇ હતી. જેના થકી જેતે જિલ્લાઓના ઉમેદવારો ગ્રાઉન્ડમાં તૈયારીઓ કરી શકે.

  ગ્રાઉન્ડના સ્થળની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, સાબકકાંઠા, ભરૂચ, જામનગર, સીઆરપીએફ અમદાવાદ, સીઆરપીએફ ગોધરા, સીઆરપીએફ નડિયાદ, સીઆરપીએફ ગોંડલ અને સીઆરપીએફ સુરતના ગ્રાઉન્ડના નોડલ અધિકારી અને તેમની વિગતો આપવામાં આવી છે

  ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. એ વખતે એ ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજ અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા હતા, અને આપણે ઉનાળા અને ચોમાસાના કારણે તરત જ શારીરિક કસોટી લેવાના ન હતા, એટલે એવા ઉમેદવારો કે જેઓએ એપ્રિલમાં પરીક્ષા આપી હતી, એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી

હસમુખ પટેલે કહ્યું કે જે ઉમેદવારે બંને પોસ્ટ માટે અરજી કરી છે, તો તે ઉમેદવારે માત્ર એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. સાથે જ તેમણે કહ્યું કે ઉમેદવારોએ તંત્ર પર ભરોસો રાખીને મહેનત કરીને સફળ થવાનો પ્રયત્ન કરવો. ગઈ વખતે પણ ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કરેલો, ત્યારે છેતરનાર લોકો સામે કાર્યવાહી કરાઈ છે. એટલે જ ઉમેદવારોને સલાહ છે કે આવા કોઈ પ્રયાસો કરશો નહીં.

(8:46 PM IST)