<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાજ્યમાં વાદળો બંધાશે :કડકડતી ઠંડી વચ્ચે માવઠું થશે :બુધવારથી ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં ઝાપટા પડી શકે

ઉત્તર ભારત પર વેસ્ટન ડિસ્ટર્બ પસાર અને દક્ષિણ ભારતમાં ઇસાનના ચોમાસાનો પ્રભાવની અસર વર્તાશે : મધ્ય ઉત્તર રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી

અમદાવાદ :હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતા છે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં એટલે કે તારીખ 21 થી 28 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યા પર વરસાદના ઝાપટા પણ પડી શકે છે.

25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે. તેનું મુખ્ય કારણ છે કે, અત્યારે ઉત્તર ભારત પર વેસ્ટન ડિસ્ટર્બ પસાર થઇ રહ્યું છે, અને દક્ષિણ ભારતમાં ઇસાનના ચોમાસાનો પ્રભાવ છે. ત્યાં પણ એક મજબૂત વરસાદી સીસ્ટમ બની રહી છે. તે બને પરિબળોના કારણે  મધ્ય ઉત્તર રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. તેના કારણે ગુજરાતમાં માવઠા અને વરસાદની શક્યતા છે.

22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું અને વરસાદની શક્યતા છે. ખાસ કરીને 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થવાનું છે. એટલે વાદળોથી ગુજરાત ઘેરાઈ જશે. તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ માવઠું પડશે. રાજસ્થાન બોર્ડર નજીકના વિસ્તારોમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તેમાં માવઠાની તીવ્રતા વધારે જોવા મળશે.

ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે તેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા જેવા વિસ્તારમાં માવઠાની અસર થશે. અરવલ્લી, મહિસાગર, દાહોદ અને ગોધરામાં હળવાથી સામાન્ય અને અમુક જગ્યા પર ભારે વરસાદ પડશે. ગાંધીનગર, અમદાવાદની અંદર ભારે ઝાપટા પડે તેવી શક્યતા નહિવત છે.

દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો, વલસાડ, ડાંગ અને નવસારી આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. આ તમામ પ્રક્રિયાઓ 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન થાય તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ સુધી વાદળોથી ઘેરાયેલું રહેશે. કચ્છની અંદર ભારે ઝાપટાની શક્યતા નથી. કચ્છમાં પણ છૂટા છવાયા ઝાપટા પડશે. સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં વાદળ છાયું વાતાવરણ થશે, બોટાદ અને ભાવનગર સાઇટમાં અને અમરેલી વિસ્તારમાં હળવા તેમજ મધ્યમ ઝાપટા થશે. અન્ય વિસ્તારોમાં માવઠાની શક્યતા ઓછી છે.  ઉત્તર ગુજરાતને આની અસર વધુ થશે.

(11:49 AM IST)