News of Saturday, 21st December 2024
ગુજરાતમાં સરકારી અને ખાનગી કુલ ૮૦૦૦ જેટલી આરોગ્ય સંસ્થાઓની નોંધણી
૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં નોંધણી કરાવવી ફરજીયાત

ગાંધીનગર, તા.૨૧: રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૪ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેના ભાગરૂપે જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
તા.૧૨મી માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સ એ આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે.
અત્યારસુધીમાં તા. ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ રાજ્યની ૭૯૮૯ આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાં ૨૮૧૬ સરકારી, ૫૧૭૩ ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં ૬૫૩૬ એલોપેથી, ૫૪૩ આયુષ હોસ્પ્ટિલ્સ, ૯૧૦ હોમિયોપેથી , ૭૭ ડેન્ટલ ક્લિનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે.
૫૦ થી ઓછી પથારી ધરાવતી ૭૬૦૭ અને ૫૦ થી વધુ પથારી ધરાવતી ૩૨૬ હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.
રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે. જે હેતુથી જ રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત પણ કરાવવું.
આ એક્ટ હેઠળ ક્લિનિક/કન્સલ્ટિંગ રૂમ/પોલીક્લિનિક ઉપરાંત ૧૫ બેડ થી લઇ ૧૦૦ થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ/ અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે.
ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ/કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ.૧૦ હજાર થી ૫ લાખ સુધીના દંડની તેમજ સંસ્થાને સીલ મારવા સુધીની જોગવાઇ છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
