News of Saturday, 21st December 2024
છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિક દીકરીઓ પીંખાઇ ગઈ છે: ચૈતર વસાવા
ઝઘડિયામાં બળાત્કારનો ભોગ બનેલી દીકરીની હાલત નાજુક: દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ દીકરી અને પરિવારની મુલાકાત લીધી: ચૈતર વસાવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું:ગૃહમંત્રી યોગ્ય કાયદા બનાવીને પીડિત પરિવારને ન્યાય નથી અપાવી શકતા, યોગ્ય કાર્યવાહી નથી કરી શકતા, તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દે: ચૈતર વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :થોડા દિવસ પહેલા ઝઘડિયામાં અત્યંત દર્દનાક ઘટના ઘટી હતી. જેમાં ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતી દસ વર્ષની બાળકી ઉપર નરાધમ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. હાલ પીડિત બાળકી વડોદરાની SSG હોસ્પિટલમાં મોતની સામે જંગ લડી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત બાળકી અને તેના પરિવારની મુલાકાત લીધી હતી તથા દરેક પ્રકારની મદદ કરવાની બાહેંધરી આપી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા, વડોદરા લોકસભા પ્રમુખ વિરેન રામી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા ને જણાવ્યું હતું કે, હાલ દીકરી અને તેના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ ડોક્ટરો સાથે અમે વાત કરી. ડોક્ટરો દીકરીને બચાવવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે. અમે દીકરીના માતા પિતાને હિંમત આપી છે અને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે દીકરી બચી જાય, પરંતુ અમારો સવાલ છે કે ગુજરાતમાં રોજેરોજ આવી ઘટનાઓ ઘટી રહી છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિક દીકરીઓ પીંખાઇ ગઈ છે. અમારો સવાલ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી? અમારી માંગ છે કે આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે.
જ્યારે ઝઘડિયામાં આ બનાવ બન્યો એ સમયે ઝઘડિયાની પોલીસે મારા પર બે એફઆઇઆર કરી હતી અને હું 17 તારીખે જ ઝઘડિયા આવવા માટે નીકળ્યો હતો પરંતુ પોલીસે મને બે થી ત્રણ દિવસ સુધી ભરૂચ જિલ્લામાં પ્રવેશવા દીધો નહીં. અમે કોઈ કામદારો માટે કે કોઈ દીકરીઓ માટે ઊભા રહીએ તો અમારા પર પોલીસ ફરિયાદો થઈ જાય છે. અમે ઈચ્છીએ કે દીકરી ઝડપથી સાજી થઈ જાય અને આ પરિવારને ન્યાય મળે. આ પહેલા પણ દાહોદમાં ખૌફનાક ઘટના ઘટી ગઈ, આ સિવાય સુરત, અમદાવાદ, ભાવનગર જેવા અનેક શહેરોમાં આવી અનેક ઘટનાઓ ઘટી ગઈ પરંતુ કોઈ દીકરીને ન્યાય નથી મળી રહ્યો. અમારી માંગ છે કે સરકાર એવો કાયદો બનાવે, જેમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસી આપવામાં આવે.
ગુજરાત સરકારને અમે કહેવા માંગીશું કે જ્યારે બીજા રાજ્યમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે તમે દેખાવો કરો છો અને લાંબા લાંબા ટ્વીટ કરો છો અને કેન્ડલ માર્ચ પણ કરો છો, પરંતુ ગુજરાત રાજ્યમાં જ ઝઘડિયામાં એક શ્રમજીવી પરિવારની નાનકડી દીકરી સાથે દર્દનાક ઘટના ઘટી ગઈ તે સમયે શા માટે કોઈ ભાજપના સ્થાનિક નેતાઓ કંઈ બોલતા નથી? શા માટે સરકાર આ મુદ્દા પર મૌન પાડીને બેઠી છે? મહિલા સુરક્ષાની અને બેટી બચાવોની મોટી મોટી વાતો થાય છે અને બીજી બાજુ ગુજરાતમાં એક વર્ષમાં 648 નાબાલિક દીકરીઓ સાથે બળાત્કારની ગંભીર ઘટનાઓ ઘટી છે તે ખૂબ જ દુઃખની બાબત છે. હું કહેવા માગું છું કે ગૃહમંત્રી યોગ્ય કાયદા બનાવીને પીડિત પરિવારને ન્યાય નથી અપાવી શકતા, યોગ્ય કાર્યવાહી નથી કરી શકતા, તો ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દે. આજે જીઆઇડીસી વિસ્તાર સુરક્ષિત નથી અને આજે લોકો પોતાની નાની દીકરીઓને ઘરની બહાર મોકલતા પણ ડરે છે કારણ કે લોકોમાં ભયનો માહોલ છે કારણ કે આજે ગુજરાત સલામત નથી.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
