News of Saturday, 21st December 2024
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા મળી છે
રાજપીપળા શ્રી એમ. આર. કોલેજ ખાતે ૨૧મીએ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિર યોજાયો: એકતાનગર સ્થિત આરોગ્ય વનના યોગ ગાર્ડન ખાતે પણ યોગસાધકો ધ્યાનમાં જોડાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ ડિસેમ્બરે “વિશ્વ ધ્યાન દિવસ” ને અનુલક્ષીને ગુજરાત રાજ્યમાં ૪૧ જિલ્લાકક્ષાના સહિત નર્મદા જિલ્લામાં શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલાના કેમ્પસમાં ધ્યાન શિબિર યોજાઈ હતી.
સમર્પણ ધ્યાનના પ્રતિનિધિ મીનાબેને જણાવ્યું કે, યુવાપેઢી દેશનું ભવિષ્ય છે, જેને શક્તિશાળી બનાવવા માટે આ એક પરિણામલક્ષી પ્રયાસ છે. લોકો પણ આત્મવિશ્વાસ અને શાંતિના પથ પર આગળ વધે, કુટેવો-સંગતોથી દૂર રહે અને વર્તમાનમાં જીવે તે માટે ધ્યાન એક મહત્વનું માધ્યમ છે. ધ્યાન એ સ્વસ્થ મન અને શરીર વચ્ચે સકારાત્મક સંબંધોને પ્રસ્થાપિત કરવાનું માધ્યમ છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર રાજેશ પંચાલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી છે. યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન દ્વારા પ્રેરણાત્મક ધ્યાન દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશનું ભવિષ્ય અને નાગરિકો પોતાના જીવનશૈલીને સુવ્યવસ્થિત અને ખુશખુશાલ જીવે તે માટે ધ્યાન જરૂરી છે
ધ્યાનએ આપણા શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ધ્યાન માનસિક શાંતિ, ધૈર્ય અને સંકલ્પ શક્તિમાં વધારો કરે છે. ઉપરાંત મસ્તિષ્કમાં ઉત્પન્ન થકી ભાવનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નોંધનીય છે કે, નર્મદા જિલ્લા સહિત રાજ્યમાં યોગ શિબિરો, વર્ગો અને કાર્યક્રમનું આયોજન કરીને સરકાર લોકોમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પર વિશેષ પ્રાધાન્ય આપી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના યુવાનો પણ યોગ પ્રશિક્ષણની તાલીમ મેળવીને યોગને વધુમાં વધુ પ્રોત્સાહન આપે તે માટે મહાનુભાવો દ્વારા અનુરોધ કરાયો હતો.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા, યોગ બોર્ડના સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર રિસિકા બેન, જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર વસંત વસાવા, યોગ ટ્રેનર શૈલેષ વસાવા સહિત અંદાજિત 300 થી વધુ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી-એનએસએસ કેડેટ્સ, નાગરિકો, યોગ બોર્ડના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
એકતાનગર સ્થિત આરોગ્ય વનના યોગ ગાર્ડન ખાતે પણ ધ્યાન શિબિર યોજાયો હતો. જ્યાં અધિક કલેક્ટર નારાયણ માધુ, ડીવાયએસપી રિયાઝ સરવૈયા, આર્ટ ઓફ લિવિંગ ગુજરાતના સ્ટેટ કોર્ડિનેટર ડો.પંકજ પટેલ, apex મેમ્બર કિશોરભાઈ પાનસુરીયા, ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર માણેકલાલ મિસ્ત્રી, યોગસાધકો, એસઆરપીના જવાનો તેમજ સ્થાનિકો દ્વારા ધ્યાન કરવાવમાં આવ્યું હતુ
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
