<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

સુરતના હજીરા વિસ્તારમાં નવ જાગૃતિ સ્કુલ પાસે આવેલા ખેતરમાં બાવળના ઝાડ પાસેથી માનવ કંકાલ મળી આવતા ચકચાર : પોલીસે તપાસ હાથ ધરી

માનવ કંકાલ 30 થી 40 વર્ષીય પુરુષનું હોવાનું અનુમાન : તેનું મોત આશરે 3 મહિના પહેલા થયું હોવાની શક્યતા : મજૂરોએ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મૃતદેહ કોનો છે તે દિશામાં તપાસ

સુરત તા.૨૨

 સુરતના હજીરા ગામમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માનવ કંકાલને સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

હજીરામાંથી માનવ કંકાલ મળ્યું

મળતી માહિતી પ્રમાણે હજીરા ગામમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. નવ જાગૃતિ સ્કુલ પાસે આવેલા ખેતરમાં બાવળના ઝાડ પાસેથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મજૂરો લાકડા કાપવા ગયા હતા તે સમયે માનવ કંકાલ મળી આવ્યું હતું. જેથી બનાવની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને માનવ કંકાલને સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું. 

હજીરા પોલીસે તપાસ શરુ કરી

પ્રાથમિક તપાસમાં માનવ કંકાલ 30 થી 40 વર્ષીય પુરુષનું હોવાનું અનુમાન છે અને તેનું મોત આશરે 3 મહિના પહેલા થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ મામલે હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:53 PM IST)