<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

આદિજાતિ વિદ્યાર્થીઓની સ્કોલરશી રદ્દ કરીને ભાજપે પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી: ચૈતર વસાવા

આદિજાતિ વિદ્યાર્થીઓની રદ્દ કરવામાં આવેલ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ મુદ્દે 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં: આવનાર સમયમાં આદિવાસી વિસ્તારમાં યોજાનાર તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે: ચૈતર વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલીયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, સૌરાષ્ટ્ર પૂર્વ ઝોન કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી પણ હાજર રહ્યા હતા. 

  મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે 2010થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી. જેના થકી બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ સહીત ડિગ્રી એન્જિનિયરિંગ ના અનેક ઉચ્ચકક્ષાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હતી અને વિદ્યાર્થીઓ ભણી શકતા હતા. પરંતુ ફરી એકવાર ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી વિરોધની માનસિકતા છતી કરી છે. 28-10-2024 ના રોજ આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર પાડીને આ સ્કોલરશીપને બંધ કરી હતી.


જે પણ વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધા છે અને હવે આ સ્કીમ બંધ કરવાથી હવે જે પણ વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવ્યા છે તે ફ્રી શીપ કાર્ડ હવે માન્ય નથી. સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓની એડમિશન આપ્યા હતા તે કોલેજો હવે આ આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર કરી રહ્યા છે કે કાં તો તમે રોકડા ભરીને ફી જમા કરાવો કાં તો તમારું એડમિશન કેન્સલ કરાવી લો. જેના કારણે 50 થી 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ પર આની ખરાબ અસર પડી રહી છે.

આ મુદ્દા પર અમે વિરોધ પ્રદર્શન કરીને બીરસા મુંડા ભવનનો ગાંધીનગરમાં ઘેરાવ કર્યો હતો અને 15 દિવસનું સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ સરકારે આ મુદ્દા પર કોઈ કાર્યવાહી કરી નથી તે માટે હવે આવનાર સમયમાં તમામ જિલ્લાની આદિજાતિ મદદનીશ કમિશનર કચેરીએ આ મુદ્દા પર રજૂઆતો કરવા જઈશું. અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે જો આ પરિપત્રને રદ કરવામાં નહીં આવે અને સ્કોલરશીપને ફરીથી શરૂ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે તેનો અમે આ વિદ્યાર્થીઓ સાથે રહીને બહિષ્કાર કરીશું. આવનારા સમયમાં અમે આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીની પણ તાળાબંધી કરીશું.

(10:41 PM IST)