<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

કાંકરીયા કાર્નિવલ..અભુતપૂર્વ સુરક્ષા ચક્ર (અમદાવાદમાં) અડધો ડઝન બોંબ સ્‍કોડ તૈનાત

આજથી ૩૧ મી સુધી આયોજન...અર્ધ લશ્‍કરી દળ સાથે ૧૩૦૦ જવાનો.. શહેર બહારથી પોલીસ અધિકારીઓનું આગમન

રીઢા ગુનેગારો પર દરેક પોલીસ મથકના ૨/૨ જવાનોની બાજનજર.. પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા રણનીતિ ત્‍યાર.. સેકટર વડા રાજપાલસિંહ રાઠોડ અને ડીસીપી રવિ સેનીનાં માર્ગદર્શનમાં કાર્યવાહીઃ એસીપી પ્રદીપસિંહ જાડેજા, એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતળત્‍વમાં પીઆઇ સહિતનો કાફલો મેદાને ઉતર્યો

રાજકોટ તા.૨૫:  અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા કાર્નિવલમાં લાખો લોકોની ભીડ ઉમટવાની હોવાથી તેનો કોઈ ઉગ્રવાદી તત્‍વો, રીઢા ગુનેગાર દ્વારા ગેરલાભ લેવામાં ન આવે તે માટે સિનિયર અધિકારીઓને સાથે રાખી પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા ફૂલપ્રૂફ રણનીતિ ઘડી તેની અમલવારી કરવા સેકટર ૨ નાં વડા રાજપાલસિહ રાઠોડ , ડીસીપી રવિ સેનીના માર્ગદર્શન હેઠળ એસીપી પ્રદીપસિહ જાડેજા અને એસીપી યુવરાજસિંહ ગોહિલને ટીમને સુપ્રત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલ અંગેના બંદોબસ્‍તમાં અમદાવાદ શહેર તથા બહારના જિલ્લામાંથી પોલીસ અઘિકારીઓ તથા સ્‍ટાફના માણસો તેમજ હથિયાર ધારી એસ.આર.પી. નો બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલના બંદોબસ્‍ત માં કુલ ૦૨ ડીસીપી, ૦૬ એસીપી, ૧૬ પો.ઇન્‍સ., ૬૩ પીએસઆઈ, ૭૦૯ પોલીસ જવાનો, ૧૭૩ મહિલા પોલીસ, ૨૫૦ હોમગાર્ડ જવાનો, સહિતના આશરે ૧૩૦૦ પોલીસ અઘિકારીઓ તથા જવાનોનો બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત હથિયારધારી એસ.આર.પી. જવાનોની કુલ ૦૧ કંપની આશરે ૭૦ જવાનોને પણ ખાસ તૈનાત કરવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ સ્‍ટેજ ખાતે કાર્યક્રમ પણ થતા હોઈ, લોકોને અંદર પ્રવેશ આપવા સમયે ખાસ ચેકીંગ કરવાની વ્‍યવસ્‍થા પણ ગોઠવવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલ બંદોબસ્‍તમાં બોમ્‍બ ડિસ્‍પોઝલ ની છ ટીમો રાઉન્‍ડ ધ કલોક એન્‍ટી સબોર્ટેઝ ચેકીંગ માટે રાખવામાં આવેલ છે. વધુમાં, કાંકરિયા કાર્નિવલ માં આવતા લોકોની ભીડને નિયંત્રણ કરવા માટે દરેક ગેટ ઉપર પણ પૂરતા પોલીસ સ્‍ટાફ સાથે બેરિકેટિંગની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. આમ, કાંકરિયા કાર્નિવલના બંદોબસ્‍ત માટે સમગ્ર કાંકરિયા વિસ્‍તાર એક પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયેલ છે.

આવનાર તમામ લોકોની વ્‍યવસ્‍થિત ચેકીંગ થાય, એ માટે પણ બંદોબસ્‍ત ગોઠવવાની સાથે સાથે, બાળકો અને ગુમ થયેલા લોકો તાત્‍કાલિક મળી જાય તે મુજબ લોકોની સુવિધાને ધ્‍યાને લઇ, આશરે સાતેક જગ્‍યાએ પોલીસ સ્‍ટાફ તથા કોર્પોરેશનના સ્‍ટાફ દ્વારા સંકલન કરી, જાહેરાત કરવા પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે અને એક ખોયા પાયા સ્‍કવોડ ખાસ કાર્યરત કરી, ગુમ થયેલા લોકોને પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરાવવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલ ખાતે પિક પોકેટીંગ કરતી ગેંગ અને મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રિય થતી હોઈ, અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્‍ટેશન ખાતેથી આવા ગુન્‍હેગારોને ઓળખતા હોય એવા બે બે સ્‍ટાફના ચુનંદા માણસો તેમજ ક્રાઇમ બ્રાન્‍ચ અને સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો તેમજ ડી સ્‍ટાફના જવાનોને ખાનગી ડ્રેસમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન તૈનાત કરવામાં આવેલ છે, જેથી ભીડનો લાભ લઈને પિક પોકેટિગ અને મોબાઈલ ચોરી કરતી ગેંગ ને પકડવામાં સરળતા રહે. ઉપરાંત, મહિલાઓની છેડતીના બનાવો ને રોકવા પણ ખાસ કુલ નવ (૦૯) શી ટીમ ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ ગોઠવવામાં આવેલ છે.

(1:12 PM IST)