<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ગુજરાતમાં આજથી ત્રણ દિ' કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી

આજે કચ્‍છ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર જીલ્લામાં અને ગુજરાતના અમુક જીલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે : પવનની ઝડપ વધશે, લઘુતમ તાપમાનમાં બે થી ચાર ડીગ્રીનો વધારો થશેઃ હવામાન ખાતુ : કાલે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જીલ્લામાં છુટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ

અમદાવાદઃઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની અસર ગુજરાત પર પણ થઈ રહી છે. ગુજરાતમાં બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનો અને વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે રાજયના અનેક વિસ્‍તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આજથી ત્રણ દિવસ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્‍દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્‍યા પ્રમાણે, હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્‍યારે આજથી ત્રણ દિવસ હળવાથી મધ્‍યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે. બીજા દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી છે. જયારે ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી છે.

રામાશ્રય યાદવે વધુમાં જણાવ્‍યું છે કે, પવનની ગતિ ૩૦દ્મક ૪૦ પ્રતિ કલાકની આસપાસ રહેશે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાનું પૂર્વાનુમાન છે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન દ્યટવાનું અનુમાન છે. આગામી ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૬ અને ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી તાપમાનનું પૂર્વાનુમાન આપવામાં આવ્‍યું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે ગુરુવારે કચ્‍છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

૨૭ ડિસેમ્‍બરે કચ્‍છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્‍તારોમાં વરસાદની વકી આપી છે. ૨૭ ડિસેમ્‍બરે કચ્‍છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, દાહોદ,પંચમહાલ, વડોદરા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

જયારે ૨૮ ડિસેમ્‍બરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્‍યતા છે.(

(10:50 AM IST)