News of Thursday, 26th December 2024
આજે સ્વામિનનારાયણ સંપ્રદાયનો સ્થાપના દિન
વિક્રમ સંવત ૧૮૫૮ની માગસર વદ એકાદશીએ ‘સ્વામિનારાયણ' મંત્ર શરૂ થયેલ : મંત્ર અને સંપ્રદાય પ્રાગટય દિનની ઉજવણી

સુરત તા.૨૬: સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...એ નામ વિશ્વના કરોડો ભાવિકો અને હજારો સંતો બોલે છે, એ સ્વામિનારાયણ મંત્રનો પ્રાદુર્ભાવ માગશર વદ એકાદશીના દિવસે થયો. ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ ૨૬૦ વર્ષ પહેલા ગુજરાત તથા રાજસ્થાનમાં વિચરણ કરી હજારોસ્ત્રીપુરુષોને અંધશ્રદ્ધામાંથી છોડાવી સદાચારમય જીવન જીવતાં કરેલ. એમણે જ નીલકંઠવર્ણીને જૂનાગઢ પાસેના પીપલાણા ગામે દીક્ષા આપેલી. સહજાનંદ સ્વામી નામ પાડેલું. જેતપુર મુકામે ધર્મધુરા સોંપી ગોલોકવાસી થયેલા.
ગુરુ રામાનંદ સ્વામીના ગોલોક ધામગમન બાદ એમના ચૌદમાને દિવસ સહજાનંદ સ્વામીએ રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી પાસે આવેલ નાનક્ડા ફણેણી ગામે ધર્મ સભામાં સ્વામિનારાયણ મંત્ર આપ્યો. સંવત ૧૮૫૮ના માગશર વદ એકાદશી (૩૧મી ડિસેમ્બર ૧૮૦૧ ગુરુવાર)ના પવિત્ર દિવસથી આ ‘સ્વામિનારાયણ' નામના મહામંત્રનું ભજન શરૂ થયું.
શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ પણ આ દિવસથી થયો. માગશર વદ અગિયારસને શાષાકારોએ સફલા એકાદશી કહેલી છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના બધા ફિરકાઓના મળી ૩૫૦૦ ઉપરાંત સંત પાર્ષદો, નાના મોટા ૩૩૭૫ મંદિરો, ૧૫૦ ઉપરાંત ગુરુકુલોમાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, દેશ વિદેશમાં વસતા કરોડો અનુયાયીઓ આ દિવસને મંત્ર પ્રાગટય સાથે સંપ્રદાયના પ્રાગટયના દિન તરીકે વિવિધ ભજન ભક્તિના આયોજનો દ્વારા ઉજવી રહ્યા છે. સંપ્રદાયના ૨૨૩ વર્ષ જેવા ટૂંકા ગાળામાં સુવર્ણના મંદિરો તેમજ દેવોને સુવર્ણના અલંકારોથી સુશોભિત કરી આરાધના કરી રહ્યા છે. સંપ્રદાયની ૨૩ ઉપરાંત નાની મોટી હોસ્પિટલો દ્વારા નિઃશુલ્ક કે કયાંય નજીવી ફીથી દર્દીનારાયણની સેવાનો લાભ લાખો લોકોને અપાઈ રહ્યો છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
