<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

મહિસાગરના વીરપુરમાં રમકડું રમતાં લિથિયમ બેટરી ફાટી, બાળકને આંખ ખોવાનો વારો આવ્યો

ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ધોરણ 2ના વિદ્યાર્થીઓને રોબર્ટનું રમકડું આપવામાં આવ્યું હતું. આ રમકડું ઘરે રમતા રમતા તેમાં રહેલી લિથિયમ બેટરી ફાટી

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ધોરણ 2ના વિદ્યાર્થીઓને રોબર્ટનું રમકડું આપવામાં આવ્યું હતું. આ રમકડું ઘરે રમતા રમતા તેમાં રહેલી લિથિયમ બેટરી ફાટતા એક વિદ્યાર્થીને આંખ તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. હાલ આ બાળકને પ્રથમ સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ધોરણ બે માં ભણતા બાળકને રમકડું રમતા લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીરપુર તાલુકાના લાલસર ચોકડી પાસે મા ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોબોટિક રમકડું આપવામાં આવ્યું હતું. જેમાં વિરેન્દ્રસિંહ ઠાકોર નામનો એક વિદ્યાર્થી ઘરે આ રમકડું રમી રહ્યો હતો. એ દરમિયાન રોબોટિક રમકડામાં રહેલી લિથિયમ બેટરી ફાટી હતી જેના કારણે વિરેન્દ્રસિંહની આંખ તેમજ શરીરના ભાગ પહોંચી હતી.

આ ઘટના બનતા જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. અને બાળકને સારવાર માટે પ્રથમ અમદાવાદ ખાતે લઈ જવાયો હતો. અને ત્યારબાદ વધુ સારવાર માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બે દિવસ અગાઉ બનેલા આ બનાવમાં બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.

ત્યારે સમગ્ર મામલે આ પ્રકારની કીટ ધોરણ 2 માં વિદ્યાર્થીઓને કેવી રીતે અપાય? કદાચ મોટો અણબનાવ બની ગયો હોત તો જવાબદાર કોણ? હાલ બાળક હોસ્પિટલમાં દાખલ છે અને આવી કીટ આપવાનું કારણ શું? અને એ પણ નાના બાળકોને, ત્યારે સ્કૂલના ટ્રસ્ટીઓને આ બાબતે કોઈ મંજૂરી લીધી છે કે નહીં એ તપાસનો વિષય છે. ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(7:13 PM IST)