News of Sunday, 29th December 2024
અમદાવાદમાં વૃદ્ધ દંપતીની કારે જમાલપુર બ્રિજ પાસે શાકભાજી વેચતી મહિલાને કચડી નાખતા કરૂણમોત : અનેકને અડફેટે લીધા
બેકાબૂ કાર રોડની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ પર ચઢી ગઈ: અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કારમાં તોડફોડ કરી : ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરી

શહેરના જમાલપુર બ્રિજ પાસે આજે સવારે અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધ દંપતીની કારે જમાલપુર બ્રિજ પાસે શાકભાજી વેચી રહેલી એક મહિલા સહિત અનેક લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચી હતી. કાર પહેલા બ્રિજની દિવાલ સાથે ટકરાઈ હતી. જે બાદ બેકાબૂ કાર રોડની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ પર ચઢી ગઈ હતી. E ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી.
વૃદ્ધ દંપતી દર્શન કરીને કાર લઈને પસાર થઈ રહ્યું હતું, ત્યારે કાર બ્રિજની દિવાલ સાથે અથડાઇ હતી. જેના કારણે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા શાકભાજી વેચતા ફેરિયાઓ પર ફરી વળી હતી. જેમાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કારમાં તોડફોડ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. કાર ચાલકની અટકાયત કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કારચાલક નવરંગપુરાનો રહેવાસી છે અને પત્ની સાથે મંદિર દર્શન કરવા જઈ રહ્યો હતો તે સમયે અકસ્માત સર્જાયો હતો.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
