<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

નડિયાદના યુવકે કેનાલમાં પડતું મૂક્યું : ચોથા દિવસે સોજિત્રા પાસેથી પસાર થતી નહેરમાંથી મૃતદેહ મળ્યો

યુવક ઘરેથી 'અંતિમ પગલું ભરવા જઉં છું' એવી ચિઠ્ઠી લખીને નીકળી ગયો: ચિઠ્ઠીમાં મૃતક કેવલે લખ્યું હતું કે - 'હું મારા સપના સાકાર કરી શકતો નથી. આથી હું નડિયાદ કોલેજ જઈને અંતિમ પગલું ભરું છું.

નડિયાદ શહેરના આજથી 4 દિવસ ગુમ થઈ ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવક ઘરેથી 'અંતિમ પગલું ભરવા જઉં છું' એવી ચિઠ્ઠી લખીને ગત સોમવારથી નીકળી ગયો હતો. જે બાદ આજે સોજીત્રા પાસેની કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નડિયાદ શહેરના ડાકોર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતો કેવલ સોલંકી નામનો યુવક ગત સોમવારના રોજ અંતિમ ચિઠ્ઠી લઈને ઘરેથી નીકળી ગયો હતો. આ ચિઠ્ઠીમાં કેવલે લખ્યું હતું કે - 'હું મારા સપના સાકાર કરી શકતો નથી. આથી હું નડિયાદ કોલેજ જઈને અંતિમ પગલું ભરું છું.'

જેથી ગત સોમવારથી પરિવારના સભ્યો કેવલની શોધખોળ કરી રહ્યા હતા. જો કે તેની કોઈ ભાળ ના મળતા નડિયાદ શહેર પોલીસ મથકે કેવલ ગુમ થવા અંગે જાણવાજોગ પણ નોંધાવી હતી.

આ દરમિયાન આજે સોજિત્રા પાસેથી પસાર થતી નહેરમાં એક યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા કેવલના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેથી કેવલના પરિવારજનો તાત્કાલિક સોજીત્રા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કેવલના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. આ મામલે સોજીત્રા પોલીસે અપમૃત્યુની નોંધ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કેવલનું છેલ્લુ લોકેશન નડિયાદ નહેર બતાવતું હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.

(5:36 PM IST)