News of Monday, 30th December 2024
અંબાજીના ભકતો માટે સારા સમાચારઃ અમદાવાદથી ટુંક સમયમાં શરૂ થશે ટ્રેન
રેલ્વે લાઇન મહેસાણા, બનાસકાંઠા અને સિરોહીથી પસાર થશે ત્રણ જીલ્લાના ૧૦૪ ગામોને આવરી લેશેઃ અંબાજી સ્ટેશને હોટલ બનાવાશે

અમદાવાદ, તા. ૩૦: શક્તિપીઠ અંબાજી ખાતે જવા માગતા શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર છે. હવે અમદાવાદથી ૧૭૩ કિલોમીટર દૂરના અંતરે આવેલા અંબાજી સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાશે. અમદાવાદ-અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની તેમજ શક્તિપીઠ અંબાજીમાં રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી હાલ જારી છે. ગુજરાતમાં હવે ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન દોડતી થઇ જાય તેવી સંભાવના છે.
અમદાવાદથી અંબાજી માટે હાલ માત્ર બાય રોડનો વિકલ્પ છે. અમદાવાદ-અંબાજી વચ્ચે ટ્રેન દોડતી કરવા મહેસાણા નજીક તારંગાથી અંબાજી થઈ આબુ રોડ સુધીની લગભગ ૧૧૬ કિલોમીટર લાંબી નવી રેલવે લાઈન નાખવાની કામગીરી હાલમાં જારી છે. આ રેલવે લાઈન શરૂ થતા લોકો અમદાવાદ અને દિલ્હીથી સીધા અંબાજી સુધી ટ્રેન દ્વારા અવર-જવર કરી શકશે. આ રેલવે લાઇન ૬ નદી, ૬૦ ગામ વચ્ચેથી પસાર થશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના ૩ જિલ્લાના ૧૦૪ ગામને લાભ થશે.
આ રેલવે લાઇન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજસ્થાનમાં સિરોહીથી પસાર થશે. ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનાવાસ, મહુડી, દાલપુરા, રૂપપુરા, હડાડ અંદાજે ૧૫ જેટલા સ્ટેશન બનાવાશે. અંબાજી રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. અંબાજી સ્ટેશનનું પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડિંગ મંદિર નજીક ચિકલા ગામ વિસ્તારમાં આવેલ પર્વતમાળા તેમજ ૪૦૦ જેટલા વળક્ષોને કાપી તૈયાર કરવામાં આવશે.
રેલવે દ્વારા એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા અને અંબાજી શક્તિપીઠની થીમ પર જ મંદિરથી અંદાજે ૩.૫ કિલોમીટરના અંતરે લગભગ ૧૭૫ કરોડના ખર્ચે બે માળના અંબાજી રેલવે સ્ટેશનની બિલ્ડિંગ તેમજ ૭ માળના અને ૧૦૦ રૂમની સુવિધા ધરાવતા બજેટ હોટલની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. સ્ટેશન બિલ્ડિંગમાં ૫૧ શક્તિપીઠના પ્રતિક સમાન ૫૧ શિખર તૈયાર કરવામાં આવશે. અંબાજી સ્ટેશને તૈયાર થનારા ત્રણ પ્લેટફોર્મ પર અવર જવર કરવા માટે સબવે પણ તૈયાર કરાશે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
