<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ભારત - ચીન સરહદેથી આવેલ ગ્રામ્‍ય દર્દીનું અમદાવાદની સત્‍યસાઇ હાર્ટ હોસ્‍પિટલમાં હૃદયનું સફળ ઓપરેશન

 

અમદાવાદઃ ૪૧ વર્ષના દોરંજયભાઈ ગુલ્‍સટન ભારત - ચાઈના સરહદ પર આવેલ ચુશુલ ગામ ના વતની છે. તેઓ મજૂરી કામ કરી ને માત્ર ૯ હજાર રૂપિયામાં પોતાનું ગુજરાન ચલાવે છે.

દોરંજય ભાઈ હ્રદયની બિમારીથી પીડિત હતા અને તેમની આર્થિક સ્‍થિતિને કારણે તબીબી સારવાર મેળવી શકતા ન હતા. શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ રાજકોટ અને અમદાવાદ દ્વારા મહાબોધી હોસ્‍પિટલમાં લેહ લદ્દાખ ખાતે, તારીખ ૨૭ અને ૨૮ મે ૨૦૨૪ ના રોજ ફ્રી હાર્ટ કેમ્‍પ નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દર્દીને ત્‍યાં તપાસ કર્યા પછી અમદાવાદની શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યાં.

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલના નિષ્‍ણાતોની ટીમ દ્વારા તેમને દાખલ કરવામાં આવ્‍યાં અને તપાસ કરવામાં આવી. દોરંજયભાઈને તપાસ દરમિયાન ઘણા ઇન્‍ફેક્‍શન ની સમસ્‍યા હતી માટે તેમની હોસ્‍પિટલ દ્વારા સારવાર કરવામાં આવી, ત્‍યારબાદ એન્‍જીયોગ્રાફી કરવામાં આવી હતી, પછી સાઈ હોસ્‍પિટલ અમદાવાદના અગ્રણી કાર્ડિયાક સર્જન દ્વારા તેમની વિનામૂલ્‍યે સફળ કાર્ડિયાક સર્જરી (એવીઆર પ્રક્રિયા) કરવામાં આવી હતી. દોરંજયભાઈ આજે પૂર્ણતઃ સ્‍વસ્‍થ છે.

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ રાજકોટ, અમદાવાદ દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ સાથે વિનામૂલ્‍યે હાર્ટ સર્જરી અંગે એમ ઓ યુ કરવામાં આવ્‍યું છે. આ કરાર હેઠળ, કેન્‍દ્રશાસિત પ્રદેશ લદ્દાખના તમામ જરૂરિયાતમંદ બાળકો અને પુખ્‍ત વયના લોકો માટે રાજકોટ અને અમદાવાદ હાર્ટ હોસ્‍પિટલોમાં સંપૂર્ણપણે મફત હૃદયની સર્જરી થશે.

‘દિલ વિધાઉટ બિલ' ના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, રાજકોટ અને અમદાવાદ છેલ્લાં ૨૪ વર્ષ થી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે.

આ હોસ્‍પિટલ દ્વારા દેશના અલગ રાજ્‍યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્‍થાન, ઝારખંડ, આસામ, બિહારના, મધ્‍ય પ્રદેશ, લેહ લદ્દાખના હૃદય રોગના દર્દીઓની સારવાર અહીં  વિના મૂલ્‍યે કરવામાં આવે છે.

ભારતના ૭ રાજ્‍યો અને ૬૦% થી વધારે ભારતની આબાદીને ગુજરાતની બંને શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલે વિનામૂલ્‍યે હૃદય રોગના દર્દીઓને એક નવું જ જીવન પ્રદાન કર્યું છે.

સૌથી અદના માણસને પણ જીવનનું શ્રેષ્ઠ મળી રહેવું જોઈએ તો જ ખરી માણસાઈ ટકી શકે. માનવ સેવા પરમો ધર્મ વિનામુલ્‍યે સેવા આપવા સતત કાર્યરત છે તેનું સાચા અર્થમાં ઉદાહરણ આપતી ગુજરાત ની બને સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલો છે.

(4:38 PM IST)