<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

થર્ટી ફર્સ્ટને લઈને સુરત પોલીસની મેગા ડ્રાઈવ: 250થી વધુ પ્યાસીઓ ઝડપાયા :56 બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી

ઝોન 4,5,6 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ: ઝોન 4 માં લગભગ 170 લોકોને પકડવામાં આવ્યા છે. ઝોન 3 માં 70 અને ઝોન 5 માં 45 લોકો સામે કાર્યવાહી કરાઈ

સુરત : થર્ટી ફર્સ્ટને લઈને સુરત શહેરમાં પોલીસ એલર્ટ મોડમાં છે. પોલીસ દ્વારા શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, બીજી તરફ વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગતરોજ પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગેની મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 250થી વધુ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એલર્ટ મોડમાં છે. શહેરમાં એન્ટ્રી એકઝિટ પોઇન્ટ પર સહિતની જગ્યાએ પર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. તેમજ દારૂ પીને ફરતા અને વાહન ચલાવતા લોકોને તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ કીટ સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. ગતરોજ પોલીસે ઝોન 4,5,6 વિસ્તારમાં પોલીસે પ્રોહીબિશન અંગેની ડ્રાઇવ યોજી હતી, જેમાં પોલીસે પીધેલા 250 કરતા વધુ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

જોઇન્ટ પોલીસ કમિશનર કે.એન.ડામોરે જણાવ્યું કે, સુરત શહેરમાં ગઈકાલે ઝોન 4,5,6 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ યોજવામાં આવી હતી. સુરત શહેરના જે એન્ટ્રી પોઇન્ટ છે, ત્યાં તમામ જગ્યાઓ પર વાહન ચેકીંગ અને દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવી હતી. બ્રેથ એનેલાઈઝરથી એમને ચેક કરવામાં આવ્યા હતા જેમાં ઝોન 4 માં લગભગ 170 લોકોને પકડવામાં આવ્યા છે. ઝોન 3 માં 70 અને ઝોન 5 માં 45 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત શહેરમાં તમામ એન્ટ્રી પોઇન્ટ છે ત્યાં સખત વાહન ચેકીંગ રાખવામાં આવ્યું છે. તમામ પોઇન્ટ પર બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ ની કીટ પણ રાખવામાં આવી છે. ડુમસ અને બહારનો એરિયા છે ત્યાં ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નીગરાણી રાખવામાં આવશે. શહેરમાં શાંતિ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ ખોરવાઈ નહીં તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે 56 બૂટલેગરો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા એક વિકની અંદર કેટલાક લોકોને પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ જે લોકો દારૂ પીને રસ્તા પર રખડે છે અને દારૂ પી ને વાહન ચલાવે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

(6:45 PM IST)