<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

સાગર પટેલના આરોપ પર કાજલ મહેરિયાનો પલટવાર કહ્યું- 'સાબિત કરો, તો હું આજીવન સંગીત છોડવા તૈયાર

કાજલ મહેરિયાએ જણાવ્યું કે, હું સાચી હોવાથી મારી વાત સાબિત કરવા માટે હું મહેસાણા સ્થિત મારા ઘરેથી ઊંઝામાં આવેલા ઉમિયા માતાના મંદિરે ચપ્પલ પહેર્યા વિના ચાલતી જઈશ. હું ઉમિયા માતાના દીવા પર હાથ મૂકીને કહીશ કે, હું પાટીદાર સમાજ વિશે કશું ખોટું બોલી નથી

ગુજરાતના યુવા ગાયક સાગર પટેલ અને ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરીયા વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે. અગાઉ સાગર પટેલે કાજલ મહેરિયા પર પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો હતો. જેના જવાબમાં કાજલ મહેરિયાએ પણ વીડિયોના માધ્યમથી સાગર પટેલને પડકાર ફેંક્યો છે અને પોતે સાચા હોય તો મારા ઘરે સિકોતર માતાનો દીવો ઉપાડવા તૈયાર રહેજો.

કાજલ મહેરિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે સાગર પટેલનું નામ લીધા વિના જણાવ્યું છે કે, થોડા સમય પહેલા મારા મોટાભાઈએ સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂક્યો હતો. જેમાં મારા દ્વારા ઉમિયા માતા અને પાટીદાર સમાજ વિશે અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે હું આ તમામ આરોપોને નકારું છું. જો હું પાટીદાર સમાજ કે ઉમિયા માતા વિશે એલફેલ બોલી હોવાનું તેઓ સાબિત કરી બતાવે, તો હું આજીવન મારું સંગીત છોડવા માટે પણ તૈયાર છું.

 

કાજલ મહેરિયાએ જણાવ્યું કે, હું સાચી હોવાથી મારી વાત સાબિત કરવા માટે હું મહેસાણા સ્થિત મારા ઘરેથી ઊંઝામાં આવેલા ઉમિયા માતાના મંદિરે ચપ્પલ પહેર્યા વિના ચાલતી જઈશ. જ્યાં પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં માતાજીની અખંડ જ્યોતના દીવા પર હાથ મૂકીને હું સાબિતી આપવા તૈયાર છું.

હું ઉમિયા માતાના દીવા પર હાથ મૂકીને કહીશ કે, હું પાટીદાર સમાજ વિશે કશું ખોટું બોલી નથી. જો હું ખોટું બોલી હોઉ અને તમે સાચા હોવ, તો તમે મારા ઘરે સિકોતર માતાનો દીવો ઉપાડવા તૈયાર રહેજો.

હકીકતમાં સાગર પટેલે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂક્યો હતો. જેમાં તેમણે દ્વારકામાં આયોજિત કાર્યક્રમમાં કાજલ મહેરિયા તેમના કાનમાં ઉમિયા માતાને લઈને અણછાજતી ટિપ્પણી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ સાગર પટેલે કાજલ મહેરિયાના કાર્યક્રમનું આયોજન ના કરવા માટે પાટીદાર સમાજને અપીલ પણ કરી હતી.

(1:25 AM IST)