<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

મહિસાગર જિલ્લામાં સરકારી છબરડો: પહેલા મકાન બાંધવા ગરીબોને આર્થિક સહાય આપી પછી કહ્યું આ જમીન તમારી નહીં સરકારી જમીન છે

સરકારી છબરડા બાદ, પ્રાંત અધિકારી સહીત લુણાવાડા નગરપાલિકાની ટિમ દ્વારા ઝુંપડા તોડી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

મહિસાગર જિલ્લામાં સરકારી છબરડો સામે આવ્યો છે. જિલ્લાના વહિવટીતંત્રે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને સરકારી સહાય હેઠળ ઘરનું ઘર બાંધવા માટે આર્થિક સહાય કરી હતી. સરકારની સહાય વડે ગરીબોએ તેમના ઘર બાંધ્યા. પરંતુ વર્ષો પછી સરકારી તંત્રને ખબર પડી કે, સરકારની આર્થિક સહાયથી જે મકાનો બંધાયા છે તે જમીન લાભાર્થીઓની નહીં પરંતુ સરકારની છે.

સરકારી છબરડા બાદ, પ્રાંત અધિકારી સહીત લુણાવાડા નગરપાલિકાની ટિમ દ્વારા ઝુંપડા તોડી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવાસ મંજુર કરેલ જગ્યા ઉપર ઊભા કરાયેલા મકાનોને સરકારી જમીન પરના દબાણ ગણીને તેને દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્રે તોડફોડની કામગીરી હાથ ધરી છે. જો લાભાર્થીઓએ બાંધેલ ઘર સરકારી જમીન પર હતા તો સરકારની યોજના મુજબ તબક્કાવાર દસ્તાવેજોની ચકાસણી કરીને આર્થિક સહાયના હપ્તા મંજૂર કરનારા અધિકારીઓ સામે કેવા પગલાં ભરાશે તેવી ચર્ચા સમગ્ર મહિસાગર નગરપાલિકામાં ચર્ચાઈ રહી છે.તેમ એક ગુજરાતી ચેનલનો અહેવાલ જણાવે છે


 

(7:35 PM IST)