<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ઉતર ભારતમાં બરફવર્ષા શરૂ થતા બર્ફીલો પવન ફુંકાયો

દક્ષિણ ગુજરાતમાં ઉતર-પૂર્વ દિશા તરફથી પવન ફુંકાયા

અમદાવાદ તા.૧૭: આજે વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે, પવનની ગતિમાં વધારો નોંધાતા ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બીજી તરફ પવન ૧૫ થી ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને લઘુતમ તાપમાનમાં ૧ થી ૪ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્‍યો છે.

આજના હવામાનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં ૧૩.૭ ડિગ્રી, અમરેલીમાં ૧૩.૮ ડિગ્રી, વડોદરામાં ૧૫.૮ ડિગ્રી, ભાવનગરમાં ૧૬.૫ ડિગ્રી, ભુજમાં ૧૧.૪ ડિગ્રી, ડીસામાં ૧૦.૭ ડિગ્રી, કંડલામાં ૧૩.૭ ડિગ્રી, રાજકોટમાં ૧૦.૭ ડિગ્રી, અને સુરતમાં ૧૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે ગુજરાત રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ બાદ ફરી ઠંડીનો નવો રાઉન્‍ડ શરૂ થઈ શકે છે, જેને પગલે ઠંડીનો પારો ૧૩ ડિગ્રી સુધી ગગડવાની શકયતા છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે છે. કારણ કે, આ સિઝનમાં અત્‍યાર સુધીમાં લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રીના નીચે જોવા મળ્‍યું નથી. ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઇ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇન્‍ટ પર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

(2:01 PM IST)