News of Saturday, 18th January 2025
દાહોદના સુખસર ખાતે મોટરસાયકલને નડ્યો અકસ્માત :ભાઈ બહેનનું ઘટનાસ્થળે મોત :પિતરાઈ બેનને ગંભીર ઇજા
ભાઈએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને મોટરસાયકલ ધડાકાભેર રોડની સામેની બાજુ પર આવેલ ઝાડ સાથે અથડાતા ભાઈ બહેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે પિતરાઇ બહેનને ગંભીર ઇજા

દાહોદ જિલ્લાના સુખસર ખાતે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મામાના ઘરેથી મોટરસાયકલ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલ ભાઈએ પૂર ઝડપે મોટરસાયકલ હંકારતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને મોટરસાયકલ ધડાકાભેર રોડની સામેની બાજુ પર આવેલ ઝાડ સાથે અથડાતા ભાઈ બહેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પિતરાઇ બહેનને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મોટરસાયકલ પર સવાર થઇ લખનપુર ખાતે રહેતા મામાના ઘરે ગયેલા વટલી ગામનો ભવદિપ નિનામા મામાના ઘરે બધાને મળી મોટરસાયકલ પર બહેન યુક્તિ તેમજ પિતરાઇ બહેન સીમા નિનામાને બેસાડી પોતાના ગામ વટલી જઈ રહ્યો હતો. આ દરમિયાન ગરાડુ ગામે સુખસર ત્રણ રસ્તા પર મોટર સાયકલ પુર ઝડપે હંકારતા ભવદિપ નિનામાએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઇજાગ્રસ્ત સીમા અને યુક્તિને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.યુક્તિને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરતાં તેનું રસ્તામાં મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઝાલોદ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે મૃતક ભવદિપ સામે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
