News of Sunday, 19th January 2025
વરાછામાં સિલિન્ડર બ્લાસ્ટઃ આગ ફાટી નીકળીઃ અફરાતફરી
ગોડાઉનમાં કેમિકલ હોવાથી પ્રસરી આગઃ ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતીઃ આગ એટલી વિકરાળ બની ગઇ હતી કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા

સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં વૈભવ રેસિડેન્સી પાસે આવેલા ગોડાઉનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ બની ગઇ હતી કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અચાનક બ્લાસ્ટ થતાં સ્થાનિક રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકાના લીધે આસપાસના વિસ્તારમાં ઓફિસ અને મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા.
ફાયર બ્રિગેડના કર્મચારીના જણાવ્યા અનુસાર ગોડાઉનમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેમિકલ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને આખું ગોડાઉન રાખમાં ફેરવાઇ ગયું હતું. હાલમાં એક અનુમાન મુજબ ગોડાઉનમાં કામ કરતા મજૂરો ગેસનો ઉપયોગ કરતાં હોવાથી ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. જોકે સમગ્ર માહિતી તપાસ બાદ બહાર આવશે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
