News of Thursday, 23rd January 2025
ગુજરાતથી અગ્રીમ રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરશેઃ ભૂપેન્દ્રભાઇ
GSPC તથા તેની ગ્રુપ કંપનીઓ દ્વારા CSR અંતર્ગત ૬૦૭ આંગણવાડીઓનું અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થશેઃ મુખ્યમંત્રી દ્વારા ઇ-શુભારંભ ;આંગણવાડીઓના લાભાર્થીઓને ગુણવતા યુકત પોષણ અને શિક્ષણ આપી વિકસીત ગુજરાત થકી વિકસીત ભારતનું નિર્માણ કરીશુઃ ભાનુબેન

ગાંધીનગર, તા. ર૩; ભૂપેન્દ્રભાઇએ મુખ્યમંત્રીશ્રી રાજ્ય સરકારના સાહસ GSPC અને તેની ગ્રુપ કંપનીઝ દ્વારા CSR અંતર્ગત નિર્માણ થનારી ૬૦૭ આંગણવાડી કેન્દ્રો-નંદઘરના નિર્માણનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાણાં-ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તથા મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આંગણવાડીને નંદઘર અને આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા કહી છે ત્યારે આંગણવાડીમાં આવતા બાળકના ઘડતરમાં યશોદા માતા જેવા કર્તવ્યભાવથી બહેનો સેવારત રહે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવું જોઈએ.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશ આઝાદીની શતાબ્દી ૨૦૪૭મા મનાવતો હશે ત્યારે હાલ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો યુવા વયે પહોંચ્યા હશે. આ યુવાશક્તિમાં રાષ્ટ્રહિત ઉજાગર થાય તેવા સંસ્કાર બાળપણથી જ કેળવવાનું અને ભાવિ પેઢીના ઉમદા ઘડતરનું કર્તવ્ય પોઝિટિવ-સકારાત્મક અભિગમથી નિભાવીને સમાજહિતની મળેલી તકને સાર્થક કરવા અને નકારાત્મકતા દૂર કરવા તેમણે પ્રેરક આહવાન કર્યું હતું.
GSPCના આ સમાજ હિતકારી અભિગમની પ્રસંશા કરતાં જણાવેલ કે, રાજ્ય સરકાર અદ્યતન અને સુવિધા સભર તથા ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે પૂરતું ભંડોળ આપવા તત્પર છે.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો ચિતાર રજૂ કરતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ૫૩ હજાર જેટલી આંગણવાડી કાર્યરત છે, જેમાં ૪૫ લાખથી વધુ બાળકો, મહિલા તેમજ ધાત્રી મહિલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યું છે. ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ આપી આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો નિર્માણ કરીશું.
રાજ્યના મુખ્ય સચિવ અને GSPCના ચેરમેન શ્રી રાજકુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય જ્યાંથી નિર્માણ પામે છે, તેવા આંગણવાડી કેન્દ્રો અને શાળાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં સસ્ટેઇનેબલ અને ઇકોફ્રેન્ડલી બનાવીને પાયાની તમામ સુવિધાઓથી સુસજ્જ કરવાની સરકારની નેમ છે.
GSPCના મેનેજિંગ ડિરેક્ટર મિલિન્દ તોરવણેએ આંગણવાડી કેન્દ્રોને તમામ સુવિધા-સગવડોથી સુસજ્જ કરવાના સંપૂર્ણ કાર્યની રૂપરેખા આ પ્રસંગે આપી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ICDS કમિશનર રણજીત કુમાર સિંહે આભાર વિધિ કરી હતી.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નિયામક, GSPC તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને આમંત્રીતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
