<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

જયેશ રાદડીયાના ટપોરી ટોળકી અંગે નિવેદન બાદ જામ્યું વાક્યુદ્ધ : સોશ્યલ મીડિયામાં ભારે ગરમાવો

જયંતિ સરધારા, શર્મિલાબેન બામણીયા. અલ્પેશ કથીરીયા , દિનેશ બામણીયા સહીત અનેક આગેવાનોએ પ્રતિક્રિયા આપી

રાજકોટ : ધારાસભ્ય જયેશ રાદડીયાના ટપોરી ગેંગ ટોળકી અંગેના નિવેદનને લઈને જયંતિ સરધારાની પ્રતિક્રિયા સામે આવી છે.જેમા તેમણે જણાવ્યુ કે જયેશભાઈની સાથે સમાજ છે. આવા લોકો સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે

આખી દુનિયા જાણી ગઈ છે કે આજ ટોળકી સક્રિય છે પણ જયેશભાઈ રાદડીયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે,સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. દેખાડવાના અને ચાવવાના અલગ છે આવા લોકોને હવે સમાજ અને બધા ઓળખી ગયા છે.

પાટીદાર અગ્રણી શર્મિલાબેન બામણીયાનું પણ નિવેદના સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જયેશ રાદડિયાએ વર્ષ 2017માં આ જ ટપોરી ગેંગ મામલે જાહેરમાં બોલવું જોઈતું હતું. અત્યારે જયેશ રાદડિયા ખૂબ મોડું બોલ્યા છે પરંતુ બોલ્યા તે સારું છે.

ટપોરી ગેંગના માણસો દ્વારા સમાજમાં વિખવાદ પડાવાનું કામ થઈ રહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે અગાઉ પરેશ ગજેરા સહિતના પાટીદાર નેતાઓને આ જ ટપોરી ગેંગે હેરાન કરી છે. 

શર્મિલાબેન બામણીયાએ કહ્યું કે હવે સમાજને ખબર પડી ગઈ છે, આ ટપોરી ગેંગ કેવા કાવતરા કરે છે અને સમાજમાં કોઈપણ નેતા આગળ વધે તો તેને કેમ પાડવા તે આ ટપોરી ગેંગનું કામ છે.

PAAS કન્વિનર અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, જયેશ રાદડિયાએ અવારનવાર પોતાના વિરોધીઓને લઈને આવું સૂચક નિવેદન આપતા રહ્યા છે. જેની અસર સમાજ પર પણ થતી હોય છે. જે રાદડિયા પરિવારને નડતરરૂપ થતાં હોય કે હેરાનગતિ કરતા કોઈ પણ લોકો હોય, તેમણે સમાજના વચ્ચે યોગ્ય પ્લેટફોર્મ પર આયોજન કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ થાય તેવી મારી ઈચ્છા છે.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, રાદડિયા પરિવારને આવી ટપોરી ટોળકીઓથી કોઈ ફેર પડવાનો નથી. આ વિસ્તારમાં તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ આવા અનેક ટપોરીઓને ભો ભેગા કરી દીધા છે. વિઠ્ઠલભાઈએ સમાજ માટે અને ખેડૂતના મસીહા તરીકે સારા કામ કર્યા છે. આ પરિવારે માત્ર સમાજને જ નહી, ગુજરાતને પણ ઘણું બધું આપ્યું છે. એમને કોઈ પણ તકલીફ હશે, તો અમે સાથે રહેશું તે અમારી જવાબદારી અને કર્તવ્ય બને છે.

(11:53 AM IST)