<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

અમરેલી લેટર કાંડ બાદ હવે રાજકોટમાં નનામો લેટર બૉમ્બ ફૂટ્યો

નનામી જાહેર થયેલ પત્રમાં ગુજરાત ભાજપ ચુંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવે પર ગંભીર આરોપ:પત્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરી વહીવટ કરવાનો પણ આક્ષેપ

અમદાવાદ :રાજ્યમાં ભાજપમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે.  આ દરમિયાન હજુ અમરેલીનો લેટર કાંડનો મુદ્દો શાંત થયો નથી ત્યાં વધુ એક એક લેટર બોમ્બ રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં ગુજરાત ભાજપ ચુંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવે પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પત્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરી વહીવટ કરવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. 

 

નનામી જાહેર થયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી અને હાલમાં સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવેના કાળા કામોની યાદી સોંપી રહ્યા છીએ. આ પત્ર વાંચી આપ સૌને જાણ થાય કે પાર્ટીમાં રહીને જ પાર્ટીને નુકસાન કરનારા ગદ્દારો હાલમાં કેવો ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારી નો કેવો ગેરઉપયોગ કરી રહ્યા છે.

 

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં ચાલી રહેલ સંગઠન પર્વમાં પાર્ટીએ ધવલ દવેને ચૂંટણી ઇન્ચાર્જની પ્રદેશની જવાબદારી સોંપેલ છે આ કામ માં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના મંડળોમાં મંડળ અધ્યક્ષના દાવેદારોને લોભ લાલચ આપી આર્થિક વ્યવહારો મોટી માત્રા માં કરેલ છે. જેમાંથી ઘણાને મંડળ અધ્યક્ષમાં પસંદગી પણ થઈ ગઈ હતી.અને જેની પસંદગી ના થઈ એ લોકો પોતાના સેટિંગના રૂપિયા પાછા મેળવવા ધવલ દવેનો સંપર્ક કરી રહ્યા છે પણ ધવલ દવે કોઈને મળતો નથી અને હજુ ઘણા લોકો ને મહામંત્રી બનવાની પણ લાલચ આપેલ છે. અને આ બધા લોકોને કહેલ કે "સંગઠન મહામંત્રી રત્નાકરજી તમામ મહાનગર જિલ્લામાં મહામંત્રીની પસંદગી બાબતે મને સ્વતંત્ર હવાલો આપેલ છે તેથી જે લોકો મને વફાદાર રહેશે તે જ લોકોને હું મહામંત્રી બનાવીશ એવી કમીટમેન્ટ આપું છું".

 

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, ઘણા પી.આઇ. તથા પી.એસ.આઇ. તેમજ અન્ય સરકારી વિભાગના કર્મચારીઓ પાસે મોટી મોટી વાતો કરેલ કે હર્ષ સંધવી મારા જૂના મિત્ર છે અને મારા ભાગીદાર પણ છે.મારે અંગત પારિવારિક સંબંધો છે તમારી મનગમતી જગ્યાએ બદલી કરાવી આપીશ કહી 5 લાખ થી 14 લાખ સુધીના આર્થિક વહીવટો કરેલ છે. અને હર્ષ સંધવી પાસે બદલીઓ પણ કરાવેલ છે. આવી જ રીતે ગવર્મેન્ટના કામોમાં પણ પોતાની ટકાવારી નક્કી કરી સ્થાનિક લેવલથી માંડી ગાંધીનગર સુધીના કોન્ટ્રાક્ટર ના બિલો મંજૂર કરાવી આપે છે.

 

ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રવાસ દરમિયાન તેમજ પોતાના જિલ્લામાં કાર્યકરો તેમજ મિત્ર વર્તુળમાં એવી વાતો કરતો ફરે છે કે આવનારા સમયમાં સૌરાષ્ટ્રનો હું એકમાત્ર જ નેતા છુ. મેં રત્નાકરજી ના કહેવાથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા નું પણ રાજકારણ પતાવી દીધું અને હજુ ઘણા નેતા ને પતાવી દેવાના છે. રત્નાકરજી ની એક જ ઈચ્છા છે કે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે અને એ કામ પણ મને જ સોપ્યું છે સંગઠન પર્વ જેવું પૂરું થાય એટલે મારે પછી સૌરાષ્ટ્ર પટેલ સમાજની પીપૂડી વગાડી દેવી છે આવી વાતો કરતો ફરે છે.

 

ધવલ દવે પોતાની જાતને સૌરાષ્ટ્રનો સર્વે સર્વા નેતા સમજવા લાગેલ છે અને હજુ આવનારા દિવસોમાં ભાજપની છબી સાવ ખરડાવી નાખશે જેથી આવા લોકોને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સમજણ આપી કાબુમાં રાખે અન્યથા ભાજપને નીયા જોવાનો વારો આવશે અને સાચા તથા સારા કાર્યકરો ખોઈ બેસવાનો વારો આવશે આપ સૌ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છો તેથી આપ સૌને આ વાતની જાણ કરવી અમારી નૈતિક જવાબદારી છે. લી.સૌરાષ્ટ્ર ના 25 વર્ષ જૂના પાર્ટી ના કાર્યકરો નું એક વિશાળ વર્તુળ.

(11:15 PM IST)