<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ભાભીને ડાકણ કહી અપશબ્દો બોલનાર જેઠાણીને સમજાવવા 181 નર્મદાની મદદ લેવાઇ

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના એક ગામમાંથી મહિલાનો કોલ આવતા જણાવ્યું કે, મને મારા જેઠાણી હેરાનગતિ કરે છે અને મને ડાકણ કહી અપશબ્દ બોલી મને બદનામ કરે છે. સાસુ સસરાનું ઘર મેં મારા નામ પર કરી લીધું તેવા ખોટા આક્ષેપ મૂકે છે, તેથી જેઠાણીને સમજાવવા માટે 181 ની મદદ જોઇએ છે.

   પીડિત મહિલા દ્વારા આપેલા સરનામા પર 181 ટીમ પહોંચી બન્ને પક્ષનું કાઉન્સિલગ કરતાં જાણવા મળ્યું કે, ઘરના દરેક ભાઈઓ પોતાની રીતે અલગ ઘર બનાવીને રહે છે. મહિલા અને તેમના પતિ પોતે પણ અલગ ઘરમાં રહે છે. મહિલાના સાસુ સસરાને કોઈ સાથે ફાવતું ન હોવાથી તેઓ એકલા રહે છે. પરંતુ પીડિત મહિલા જે ઘરમાં રહે છે ત્યાં બાથરૂમની વ્યવસ્થા ન હોવાથી સાસુ સસરાના ઘરે સવારે નાવા ધોવા માટે જતા હોય જે જેઠાણીને ગમતું ન હોવાથી ખોટા આક્ષેપો મૂકી મારી સાથે ઝગડો કરી મને અપશબ્દ બોલી બદનામ કરે છે, તેથી આખરે કંટાળીને મેં 181 ની મદદ માંગી છે.
181 ટીમે બંને પક્ષને સલાહ, સૂચન આપી સમજાવવાની કોશિશ કરી પરંતુ સામેવાળા પક્ષ સમજવા માંગતા ન હોય, તેથી મહિલાએ આ રીતે સમાધાન ના થાય મારે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની છે, તેમ જણાવેલ તેથી 181 ટીમ બંન્ને પક્ષને બેસાડી મહિલા પોલીસ સ્ટેશનમાં લઇ ગઈ હતી.
આમ 181 ટીમ દ્વારા આ મહિલાને મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોચાડી આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.

(12:19 AM IST)