<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

નવા રસ્તાઓ બનાવવા માટે રૃ. ૫૨ કરોડની મંજૂરી

પાલીતાણા તીર્થમાં આવતા શ્રદ્ધાળુઓને થશે રાહતઃરાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૃ. ૨૨૬૯ કરોડ ફાળવ્યા છે

પાલીતાણા,તા.૩

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણાને જોડતા ૮૦૦ મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૃ.૫૧.૫૭ કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૃ. ૨૨૬૯ કરોડ ફાળવ્યા છે. આ હેતુસર જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને તે રકમમાંથી ૪૦.૫૦ કરોડ રૃપિયા ૨૦.૯૦ કિ.મી લંબાઈના ૬ રસ્તા અને પૂલોના કામો માટે મંજૂર કરવામાં આવેલા છે.

હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૫૧.૫૭ કરોડ રૃપિયા પાલીતાણાને જોડતા ૮૦૦ મીટરના માર્ગો પર નવા રસ્તા, પુલો માટે મંજૂર કર્યા છે. જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને સુદ્રઢ અને સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી પૂરી પાડવા મુખ્યમંત્રીએ સમગ્રતયા ૨૫.૭૦ કિ.મી. માર્ગો માટે કુલ રૃ. ૯૨.૦૭ કરોડ અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થમાં આવતા પદયાત્રીઓ તથા વાહનથી જતા દર્શનાર્થીઓને ઘણી સલામતી તથા સુલભતા પ્રાપ્ત થશે. એટલું જ નહિ, આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી યાત્રાધામનું અંતર ઘટશે અને પાલીતાણા શહેરમાં જવાના રસ્તામાં આવેલા પાલીતાણા-તળાજા રસ્તાના જંકશન પોઇન્ટ પર વારંવાર થતી ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે.

(10:40 PM IST)