તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 4th February 2025
આજે વિશ્વ કેન્સર દિવસઃ રાજ્યમાં PMJAYમાં છેલ્લા 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીને સારવાર અપાઈ
ગુજરાતમાં એક વર્ષમાં કેન્સરના 38,306 દર્દીએ જીવ ગુમાવ્યા છે. જે પૈકી અમદાવાદ શહેરમાં 2067નાં મોત થયા

અમદાવાદ :દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવાય છે. કેન્સરની બીમારીના વધતાં કેસ અને મોતનું પ્રમાણ ચિંતાજનક છે, ગુજરાતમાં પીએમ-જેએવાય ઉર્ફે મા યોજનામાં છેલ્લાં છ વર્ષમાં બે લાખથી વધુ કેન્સરના દર્દીઓને સારવાર આપવી પડી છે. જેના માટે સરકારી તિજોરીમાંથી 2855 કરોડથી વધુ રકમ પૂર્વ મંજૂર કરાઈ છે.
વર્ષ 2022ના રિપોર્ટ પ્રમાણે દેશમાં કેન્સરના નવા 14.13 લાખ કેસ આવ્યા હતા. જે પૈકી 73,382 નવા કેસ ગુજરાતમાં નોંધાયા છે. એકલા અમદાવાદમાં 6840 કેસ નવા છે. ગુજરાતમાં એક વર્ષમાં કેન્સરના 38,306 દર્દીએ જીવ ગુમાવ્યા છે. જે પૈકી અમદાવાદ શહેરમાં 2067નાં મોત થયા છે.
કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર શશાંક પંડયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2024માં કેન્સર હોસ્પિટલમાં 25956 દર્દીને સારવાર અપાઈ છે. જેમાંથી 17107 કેસ ગુજરાતના, 8843 અન્ય રાજ્યોના તેમજ 6 કેસ વિદેશના છે. આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે, ગુજરાતમાં 35 ડે કેર કિમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી છેલ્લા બે વર્ષમાં 68,190થી વધુ કેન્સરના દર્દીને 1.90 લાખ કિમોથેરાપી સેશન્સ અપાયા છે.
CAR-T સેલ થેરાપીથી કેન્સરના કોષોનો નાશ કરાય છે. ખાનગી હોસ્પિટલમાં 30થી 50 લાખ સુધીમાં આ સારવાર મળે છે પરંતુ કેન્સર હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલના ભાગરૂપે યોગ્ય દર્દીઓને વિના મૂલ્યે આ થેરાપી મળવાની છે. જે દર્દીઓ ક્લિનિકલ ટ્રાયલના કાઈટેરિયામાં સામેલ થશે, તેવા દર્દીઓને સારવાર મળશે. લિમ્ફો બ્લાસ્ટિક લ્યુકેમિયા અને બી સેલ નોન હોજકિન લિમ્ફોમા ધરાવતા દર્દીઓમાં થેરાપી ઉપયોગ થાય છે. જે દર્દીઓમાં કિમોથેરાપી અથવા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પણ ઉપયોગી સાબિત થતી નથી તેમના માટે CAR-T સેલ થેરાપીનો ઉપયોગ કરી શકાય છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
