<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ગુજરાતમાં સેમીકન્ડકટર ક્ષેત્રે રોજગારીની પુષ્કળ તક સર્જાશે : મંત્રી બળવંતસિંહ

અમદાવાદથી ઉત્તર ભારત બિઝનેસ નેટવર્કનો પ્રારંભ

અમદાવાદમાં રાજયના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉતર ભારત બિઝનેસ નેટવર્કનો પ્રારંભ કરાવી ઉદ્બોધન કરેલ તે પ્રસંગની  તસ્વીર.

 

રાજકોટ, તા. પ : ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે અમદાવાદ ખાતેથી ઉત્તર ભારત બિઝનેસ નેટવર્ક(UBBN)નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉદબોધન કરતા ઉદ્યોગમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે. ઉદ્યોગ ધંધા અને વ્યાપાર ક્ષેત્રે પણ આજે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે. રાજ્ય સરકારના  વિવિધ પ્રકલ્પો તથા વિવિધ યોજનાઓના આયોજનપૂર્વકના અમલીકરણના લીધે રાજ્યમાં આજે ઉદ્યોગ ધંધા અને રોજગાર માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

વધુમાં વાત કરતા ઉદ્યોગ મંત્રીશ્રી ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઉદ્યોગ ધંધાઓના વિકાસ અર્થે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આજે આ સમિટ વટવૃક્ષ સમાન બની છે. જેના પરિણામે રાજ્યની નિકાસ અને ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યા છે. દેશની જીડીપીમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર બન્યું છે. આજે વિશ્વની ઘણી નામાંકિત કંપનીઓ રાજ્યમાં કામ કરી રહી છે. આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજે સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રો સહિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા રોબોટિકસ જેવા ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. સેમિકન્ડકટર ક્ષેત્રે આવનારા સમયમાં ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઉભી થનાર છે.

આ અભિયાન હેઠળ 'ટુગેધર વી ગ્રો, ટુગેધર વી અચિવ' ના મંત્ર સાથે ઉત્તર ભારતીય સમાજના નાના મોટા વ્યાપારીઓ અને ઉદ્યોગકારોના વેપાર ધંધાના વિકાસ માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા સાથે વિવિધ બાબતો સંદર્ભે માર્ગદર્શન અને મદદ પૂરી પાડવામાં આવશે.

ઉત્તર ભારત બિઝનેસ નેટવર્ક (UBBN)ના શુભારંભ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, વટવાના ધારાસભ્યશ્રી બાબુસિંહ જાદવ, ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાજ્ય અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર, ઉત્તર ભારત બિઝનેસ નેટવર્ક(UBBN)ના ટીમ મેમ્બર્સ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:12 PM IST)