News of Monday, 10th February 2025
એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત:આઇસર પાછળ કાર ઘુસી જતા પતિ-પત્નીનું મોત:બે બાળકોનો બચાવ
અમદાવાદના શાહીબાગમાં રહેતો જૈન પરિવાર મોડી રાત્રે કાર લઇને વડોદરાથી અમદાવાદ આવતા હતા ત્યારે એક્સપ્રેસ હાઇવે પર આઇસરની પાછળ કાર અથડાઈ

અમદાવાદ :એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદના જૈન પરિવારને અકસ્માત નડ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આઇસર પાછળ કાર ઘૂસી જતા પતિ અને પત્નીનું મોત નીપજ્યું છે. જ્યારે બે બાળકોનો બચાવ થયો છે. પરિવાર વડોદરાથી અમદાવાદ પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બન્ને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદના શાહીબાગમાં રહેતો જૈન પરિવાર મોડી રાત્રે કાર લઇને વડોદરાથી અમદાવાદ આવી રહ્યો હતો. એ સમયે એક્સપ્રેસ હાઇવે પર આઇસરની પાછળ કાર અથડાઈ હતી. અકસ્માતની આ ઘટનામાં ગંભીર ઇજાઓ પહોંચતા પતિ-પત્નીના મોત નીપજ્યાં છે. જ્યારે કારમાં સવાર બે બાળકોને ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી I-ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા અને બાળકેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતના બનાવ અંગે મૃતકોને પરિવારજનોને જાણ કરવામા આવી હતી.
મળતી વિગતો અનુસાર, અકસ્માતમાં વિકાસ ગણપતલાલ જૈન અને તેમના પત્નીનું મોત નીપજ્યું છે. મૃતક સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમને બે સંતાનોમાં એક 8 વર્ષીય દીકરી અને 5 વર્ષીય પુત્ર છે. માતા-પિતા અને ભાઇ-ભાભી છે. આજે સાંજે શાહપુરના શાંતિવન ખાતે મૃતકોની અંતિમવિધિ કરવામાં આવશે. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
