<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

અમદાવાદના ચાંદખેડામાંથી સાઈબર ઠગના 4 કરોડ રૂપિયા સગેવગે કરનારા 11 લોકોને ઝડપી લેવાયા

સાઈબર ફ્રોડના પૈસાની હેરાફેરી માટે નકલી આધાર કાર્ડની મદદથી બેંક એકાઉન્ટ ખોલાવવાનું વધુ એક કૌભાંડ પકડાયુ :ફલેટમાંથી 11 લોકોની ધરપકડ કરી 43 ATM કાર્ડ, ચેકબુક, 15 મોબાઈલ, 20 પાનકાર્ડ,10 આધાર કાર્ડ, 1 પિસ્તોલ અને 7 કારતૂસ કબજે કર્યા

અમદાવાદ :સાઈબર ફ્રોડના પૈસાની હેરાફેરી માટે નકલી આધાર કાર્ડની મદદથી બેંક એકાઉન્ટ ખોલાવવાનું વધુ એક કૌભાંડ પકડાયુ છે. રાજસ્થાનના જોધપુરની ટોળકી 1 વર્ષથી આ કૌભાંડ કરતી હતી. સાઈબર ક્રાઈમની ટીમે ચાંદખેડામાં આવેલા એક ફલેટમાંથી 11 લોકોની ધરપકડ કરી 43 ATM કાર્ડ, ચેકબુક, 15 મોબાઈલ, 20 પાનકાર્ડ,10 આધાર કાર્ડ, 1 પિસ્તોલ અને 7 કારતૂસ કબજે કર્યા હતા. 10 જ દિવસમાં આ લોકોના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 4 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા.

ઝડપાયેલા બે આરોપી અનિલ અને સુરેશની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, સુનિલ ધિરાણીના કહેવાથી તેઓ જે તે શહેરમાં ભાડા કરાર કરીને મકાન ભાડે રાખતા હતા. ત્યારબાદ તે મકાનમાં રાજસ્થાનથી માણસોને લઈને આવતા હતા. ત્યાંથી તેમના આધાર કાર્ડના ફોટા પાડીને સુનિલને મોકલતા હતા. સુનિલ તે આધાર કાર્ડમાં સરનામું બદલી દેતો હતો. જેના માટે જે તે વ્યકિતના ફોનમાં OTP આવતો હતો. તે સુનિલને આપવો પડતો હતો.

પોલીસે જે આરોપીઓ પકડયા છે તેમના બેંક એકાઉન્ટ વિરુધ્ધ 21 રાજ્યોમાં 109 પોલીસ ફરિયાદ થઈ છે. જેમાં 26 બેન્કમાં એકાઉન્ટ ખોલાવાયા હતા. સાઈબર ક્રાઈમની ટીમે તે તમામ ફરિયાદો અને તેમાં થયેલા ટ્રાન્ઝેકશનની માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.

પકડાયેલામાં સુરેશ બિશ્નોઈ, અનિલ બિશ્નોઈ, કૈલાસ બિશ્નોઈ, હુકમરામ બિશ્નોઈ, મનીષ બિશ્નોઈ, વિકાસ બિશ્નોઈ, રાકેશ બિશ્નોઈ, રાકેશ બિશ્નોઈ, મનકુલ બિશ્નોઈ, લલીતકુમાર બિશ્નોઈ, કુલદીપ કિચર છે. બેન્કો પાસેથી શેના આધારે ખાતાં ખૂલ્યા તેની માહિતી મગાઈ છે.

આધાર કાર્ડ કયા દસ્તાવેજથી નીકળ્યું કે તેમાં શેના આધારે ફેરફાર થયો તેની માહિતી યુઆઈડીએઆઈ પાસે જ હોય છે. ટોળકીએ કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હતો તે જાણવા પોલીસે હાઈકોર્ટમાંથી ઓર્ડર કઢાવવો પડશે. એ પછી જ બધી વિગત જાણી શકાશે.

(11:40 AM IST)