<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

અમદાવાદ સિવિલમાં હિમોફિલિયાની દુર્લભ બીમારીમાં 8 કરોડના ખર્ચે 153 જેટલા દર્દીઓની સારવાર

આ બીમારીથી પીડિત દર્દીને સામાન્ય ઇજા પછી પણ સ્વયંભૂ લોહી નીકળે છે અને લાંબા સમય સુધી રક્તસ્ત્રાવ ચાલુ રહે છે

અમદાવાદ : હિમોફિલિયા એ લોહી ગંઠાવા માટે જરૂરી ક્લોટીંગ ફેક્ટર-7, 8 અને 9ની જન્મજાત ઉણપથી થતી દુલર્ભ બીમારી છે. ક્લોટિંગ ફેક્ટરની ઉણપ લોહીની ગંઠાઈ જવાની ક્ષમતાને અસર કરે છે. આથી આ બીમારીથી પીડિત દર્દીને સામાન્ય ઇજા પછી પણ સ્વયંભૂ લોહી નીકળે છે અને લાંબા સમય સુધી રક્તસ્ત્રાવ ચાલુ રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં હિમોફિલિયાના દર્દીઓ માટે 8 કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટિંગ ફેક્ટર ઇન્જેક્શન પૂરા પડાયા છે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, હિમોફિલિયાના દર્દીઓને રક્તસ્ત્રાવના એપિસોડને રોકવા ક્લોટીંગ ફેક્ટર-7, 8 અથવા 9ના ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. આ ઈન્જેક્શન મોંઘા હોવાથી કોઈને પણ પરવડે તેમ હોતા નથી. રાજ્ય સરકાર દ્વારા જીએમએસસીએલ મારફતે ખરીદી કરી, આ ઈન્જેક્શનો સરકારી સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓને નિ:શુલ્ક અપાય છે.

સિવિલમાં વર્ષ 2024માં કુલ 153 દર્દીઓને હિમોફિલિયાની સારવાર અંતર્ગત રક્તસ્ત્રાવની રોકથામ એટલે કે પ્રિવેન્શન માટે તેમજ રક્તસ્ત્રાવ શરુ થયો હોય તો તેને બંધ કરવા વિવિધ ફેક્ટર (ફેક્ટર-7,8,9)ના ઈન્જેક્શન આપી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે. 153 દર્દીમાંથી 18 હિમોફીલીયાના દર્દી બીજી કોઈ બીમારીના કારણે ઓપરેશનની જરૂર હોય તેવા હતા. જેમનું ઓપરેશન આ ફેક્ટરના ઈન્જેક્શન આપીયે તો જ શક્ય બને તેમ હતું. એકંદરે ઈન્જેક્શન પાછળ 8 કરોડનો ખર્ચ થયો છે. ફેક્ટર 8ના 1.46 કરોડના, ફેક્ટર 9ના 96.59 લાખ, ફેક્ટર 7 અને ફેક્ટર 9 ઈનહીબીટર પાછળ 43.68 લાખનો ખર્ચ થયો હતો

(1:00 PM IST)