<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

'' ઘરમાં પીળું પાણી રાખતા હોય, તો બંધ કરી દેજો'' :મહિલા PSI બાદ ભાજપ નેતા ગોરધન ઝડફિયાની પાટીદારોને ટકોર

સંસ્કાર વિનાની સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે. આપણે તમામે અંદરથી સુધરી જવાની જરૂર છે :મહેસાણાના કડી ખાતે 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમુહ લગ્નોત્સવમાં સંબોધન

 

અમદાવાદ : અગાઉ સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં પાટીદાર સમાજના મહિલા PSIએ દારૂ અને સાયબર ફ્રોડના કેસમાં પકડવામાં આવતા આરોપીઓ પૈકી 50 ટકા પટેલ હોવાનું કહ્યું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અનેક પાટીદાર સંસ્થાઓ તેમજ સમાજના આગેવાનો મહિલા PSIની વાત સાથે સહમત થયા હતા. એવામાં આજે ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયાએ પણ પાટીદાર સમાજમાં દારૂની બદીને લઈને ટકોર કરી છે.

હકીકતમાં મહેસાણા જિલ્લાના કડી ખાતે 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉપસ્થિત રહેલા ગોરધન ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજમાં હવે સંસ્કારની જરૂર છે. મહેરબાની કરીને ઘરમાં પીળું પાણી રાખતા હોય, તો બંધ કરી દેજો.

તમને એવું લાગતું હશે કે, આ 21મી સદી ચાલે છે, પરંતુ તમારા ઘરમાં રહેલ દીકરી અથવા પત્નીને એકવાર પૂછી જો જો, તેનું કેવું પરિણામ આવે છે.

ભાજપ નેતાએ શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું કે, આજના ડિજિટલ યુગમાં શિક્ષણ વિના પ્રગતિ શક્ય જ નથી. સમાજે વાડી કે ભવન બનાવવાના બદલે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

સંસ્કાર વિનાની સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે. આપણે તમામે અંદરથી સુધરી જવાની જરૂર છે, કારણ કે બહારથી સુધરવાની કોઈ આવશ્યક્તા જ નથી. જો અહીં બેઠેલા આગેવાનો પણ જો સમાજમાં પરિવર્તન ના લાવી શકતા હોય, તો તેમણે પોતાને લીડર કહેવાનો કોઈ અધિકાર નથી.

(1:03 PM IST)