<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

વડોદરામાં ધો.10 અને 12ના 68,508 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: 3 દિવ્યાંગ છાત્રોને લેપટોપ સાથે પરીક્ષાની મંજૂરી મળી

સેન્ટ્રલ જેલમાં રહેલા 10 અંતેવાસી પણ બોર્ડની પરીક્ષા આપશે, જેલમાં જ બ્લોકની ફાળવણી: ધોરણ 10ના 43873 અને ધોરણ 12માં બન્ને પ્રવાહના કુલ 24635 છાત્રો પરીક્ષા આપશે

વડોદરા :આગામી તા. 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં બેસનારા છાત્રો શાંતિ અને આત્મવિશ્વાસથી આપી શકે એવી વ્યવસ્થા કરવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ શિક્ષણાધિકારીને સૂચના આપી છે. પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી તૈયારીની વિગતો મેળવી જરૂરી સૂચનો કલેક્ટરએ કર્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ ઉક્ત બેઠકમાં એવી વિગતો રજૂ કરી હતી કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષામાં ધોરણ 10 અને 12ના કુલ 68508 છાત્રો પરીક્ષામાં બેસશે. જેમાં ધોરણ 10 માટે 153 પરીક્ષા સ્થળોના 1522 બ્લોકમાં 43873 છાત્રો પરીક્ષા આપશે.

 

ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 62 પરીક્ષા સ્થળોના 568 બ્લોકમાં 18128 છાત્રો અને વિજ્ઞાન પ્રવાહમાં 37 પરીક્ષા સ્થળોના 333 બ્લોકમાં 6507 મળી એચસીસીમાં કુલ 24635 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાંથી 10 અંતેવાસી પરીક્ષા આપવાના છે.

વિશેષ વાત તો એ છે કે, આ વખતે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રિક્ષા એસોસિએશન સાથે બેઠક કરી છાત્રને પરીક્ષા સ્થળે પહોંચવાની સમસ્યા હોય તેવા સમયે મદદ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સહયોગ આપી રિક્ષા એસોસિએશનને છાત્રોને મદદ કરવાની તૈયારી દર્શાવી છે.

વડોદરામાં આ વખતે આંખથી સો ટકા દિવ્યાંગ હોય એવા ત્રણ છાત્રો લેપટોપ સાથે પરીક્ષા આપવાના છે. આ માટે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. લહિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે નિયમોનુસાર આપવામાં આવશે.

આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા કાઉન્સેલિંગ સેલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેના માટે તજજ્ઞ આચાર્યો અને શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો આસપાસ ઝેરોક્સ, એકત્ર થવા સહિતની બાબતો અંગે પ્રતિબંધનાત્મક આદેશો પણ જારી કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર ડો. ધામેલિયાએ પરીક્ષા ખંડમાં સીસીટીવીની સુવિધા, વીજળી, પીવાના પાણીની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા બાબતે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

(10:58 PM IST)