<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th February 2025

વડોદરામાં CBI અધિકારીની ઓળખ આપી રૂ. 23.25 લાખ પડાવનાર ગઠિયો ઝડપાયો

આરોપીને પાણીગેટના બાવામાનપુરા સ્થિત હૈદરી ચોક સ્થિત તેના ઘરેથી ઝડપી પડાયો

સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં દાખલ રૂ. 23.25 લાખના ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાણીગેટના બાવામાનપુરા સ્થિત હૈદરી ચોક સ્થિત તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દિલ્હી કસ્ટમ ઑફિસર, દિલ્હી વસંત કુંજ સાઉથ પોલીસ સ્ટેશનના અધિકારી તથા સીબીઆઈ ચીફની ઓળખાણ આપીને આરોપીઓ દ્વારા ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી. જેમાં તમારા પાર્સલમાંથી 140 ગ્રામ એમડી ડ્રગ્સ, 16 નકલી પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ મળી આવ્યા છે. તમારી સામે હ્યુમન ટ્રાફિકિંગ તથા મની લોન્ડરીંગના કેસ દાખલ થયા છે.

આટલું જ નહીં, આરોપીઓએ સીબીઆઈનું બોગસ કોન્ફીડન્સીયલ એગ્રીમેન્ટ ફરિયાદીને મોકલી રેડ કરવાની ધમકી આપીને ફરિયાદીના એકાઉન્ટમાંથી 23.25 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે અંગે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો.

સુરતમાં સાયબર ક્રાઈમ ગુનામાં સંડોવાયેલો અને વોન્ટેડ આરોપી શાહરુખ ઉર્ફે સલમાન સબીરમીયા મનસુરી વડોદરાના પાણીગેટ ખાતે આવેલ બાવામાનપુરાના હૈદરી ચોકમાં તેના ઘરે હોવાની બાતમી પાણીગેટ પોલીસને મળી હતી. જેથી પાણીગેટ પોલીસે શાહરુખ ઉર્ફે સલમાન સબીરમીયા મનસુરીના ઘરે રેડ કરી તેને ઝડપી પાડ્યો હતો હાલ તો આરોપીને વધુ તપાસ માટે સુરત પોલીસને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીએ ફરિયાદી પાસેથી પોતાના એકાઉન્ટસમાં સાત લાખ ટ્રાન્સફર કરાવી લીધા હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે.

(12:12 AM IST)