News of Sunday, 23rd February 2025
અમદાવાદના બોપલમાં ચોરીની શંકાએ આધેડને ઢોર માર મારતા મોત : 3 આરોપીઓની ધરપકડ
લોખંડના સામાનની ચોરી થતી હોવાથી દુકાન માલિક અને તેના મિત્રો વોચ રાખીને બેઠા હતા: આધેડ આવતા તેને માર મારવામાં આવતા પોલીસ કાર્યવાહી કરે તે પહેલા જ તેનું મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં ચોરીની શંકાએ આધેડને માર મારી હત્યા નિપજાવવા મામલે પોલીસે કાર્યવાહી શરુ કરી છે. આ મામલે બોપલ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. લોખંડના સામાનની ચોરી થતી હોવાથી દુકાન માલિક અને તેના મિત્રો વોચ રાખીને બેઠા હતા. તેવામાં આધેડ આવતા તેને માર મારવામાં આવતા પોલીસ કાર્યવાહી કરે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતુ. જેથી પોલીસે માર મારનાર 3 લોકોની ધરપકડ કરી છે.
બોપલના ઘુમા ગામમાં આવેલા વિભુષા બંગ્લોઝ પાસે ચોરીની આશંકાથી માર મારતા 40 વર્ષિય ઈન્દ્રવદન પરમાર નામના આધેડનું મોત થયુ હતુ, જે મામલે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે. દુકાન માલિક કેતન પટેલ અને તેના બે મિત્રો કંદર્પ પટેલ અને સુભાષ પટેલની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી વિભુષા બંગ્લોઝની બહાર આવેલી ફેબ્રિકેશનની દુકાનની બહાર રહેલા લોખંડના સામાનની ચોરી થતી હતી. તેવામાં મૃતક ઈન્દ્રવદન પરમારને ચોરીની આશંકાએ માર માર્યો હતો. જેમાં તેનુ મોત નિપજ્યુ હતુ, જેથી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
