News of Sunday, 23rd February 2025
સુરતની 42 વર્ષીય મહિલા પાંચ લોકોના જીવનમાં પ્રસન્નતા લાવ્યા, બ્રેઈન ડેડ થતાં બે આંખ, કિડની અને લીવરનું દાન કરાયું
મૂળ ભાવનગરના સોનલબેન ડોબરીયા ચારેક દિવસ પહેલા બાથરૂમમાં પડી જતાં તેમનું હ્રદય બંધ પડી ગયું હતુ. જે બાદ તેઓને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા

સુરત સ્થિત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 19મું અંગદાન કરાવવામાં આવ્યું છે. જેમાં બ્રેઈન ડેડ સોનલબેન કિર્તીભાઈ ડોબરીયાના અંગદાન થકી 5 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ભાવનગરના અને ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીના 42 વર્ષીય સોનલબેન કિર્તીભાઈ ડોબરીયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ, દીકરો અને એક દીકરી છે. તા.19-02-2025 ના રોજ વહેલી સવારે આશરે 3 વાગ્યેના આસપાસ બાથરૂમ માં જતી વખતે ચકકર આવી જતા સોનલબેન પડી ગયા હતા તે સમયે દીકરી સ્નેહા ને કઈ અજુગતો અવાજ સાંભળતા તેઓ જાગી જતા સાથે પોતાના પિતાને જગાડી, બાથરૂમ તરફ દોડી જતા સોનલબેન બાથરૂમમાં પડી ગયેલ હતા.
તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર ચાલુ કરે તે પહેલા હદય બંધ પડી ગયું હતું, પરંતુ તબીબોએ અથાગ પ્રયત્ન કરીને હદય ફરીથી ધબકતું કર્યું હતું પરંતુ હદય બંધ થવાથી મગજ પર અસર થઇ હતી. જેથી તેઓને વધુ સારવાર અર્થે વિનસ હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં બે દિવસની ટૂંકી સારવાર બાદ તા:-20-02-2025 નારોજ દર્દી ના રિપોર્ટ જોઈ ફરજ પરના ડો.રાકેશ કળથીયા, ડો.હિરેન ઝડફિયા, ડો.પ્રેક્ષા ગોયલ અને ડો.અંકિત દેસાઈ દ્વારા સોનલબેનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
વિનસ હોસ્પિટલના ચીફ એડમીન ડો.અંકિત દેસાઈ અને ડો.રાકેશ કળથીયા સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયા નો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને સોનલબેનના ના પરિવારના સભ્યો સાથે અંગદાન કરવાની વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ, સોનલબેનના પતિ કીર્તિભાઈ જે એમ્બ્રોડરી થ્રેડ્સ નો વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, દીકરો - કેવિન 11માં ધોરણ તથા દીકરી – સ્નેહા, 9 માં ધોરણમાં અભ્યાસ કરે છે.
પરિવારના મોટાભાઈ સુનીલભાઈ ડોબરિયા, નાનાભાઈ ભાવેશભાઈ ડોબરિયા, માધવજીભાઈ, ઘનશ્યામભાઈ, બટુકભાઈ તથા સોનલબેનના પિયર પક્ષના જગદીશભાઈ ધામેલીયા,મહેન્દ્રભાઈ, કાજલબેન ધામેલીયા તથા બને પરિવારના અન્ય મોભીઓ અને યુવાઓ દ્વારા આ ભગીરથ કાર્યને કિર્તીભાઈ સાથે રહીને તેઓને હુંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું અને તેમના પરિવારને બ્રેઈન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી અન્ય લોકોનું જીવન બચાવી શકાય એ વિષેની સંપૂર્ણ માહિતી મળતા વધુમાં એમના પરિવારે જણાવ્યું હતું કે આ શરીર જ્યારે પંચમહાભૂતમાં બળીને ખાખ થઈ જવાનું છે તો આપડે અંગદાન કરી અન્ય લોકોને શા માટે નવું જીવન ના આપી શકીએ, ડોબરીયા પરિવારના આવા સુંદર વિચારને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે સોનલબેનના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા વિનસ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, વિનસ હોસ્પિટલ તથા ડોબરીયાપરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર,બંને કીડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને જીવનદાન મળ્યું. અમદાવાદ ખાતે લીવર (ઉ.42, પુરુષ). વડોદરા ખાતે એક કીડની (ઉ.50, પુરુષ) અને રાજકોટ સ્થિત એક કીડની (ઉ.45, સ્ત્રી) , અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, ડો.નિલેષ કાછડીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા, નીતિન ધામેલીયા,બિપિન તળાવીયા, સતીશ ભંડેરી, વૈજુલ વિરાણી,દિક્ષિત ઈટાલીયા, મિલન રાખોલિયા, અભિષેક સોનાણી, શૈલેષ શિહોરા,પાર્થ કોરાટ, વિનસ હોસ્પિટલના એડમીન ડો.અંકિત દેસાઈ, ડો.વીરેન પટેલ, ડો.મોહન પુરોહિત, ડો.કનન ઉપાધ્યાય, ડો.પાયલ પાટીલ, ડો.જયદીપ તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને ડોબરીયા પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું.
તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર કરી વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરતનાં પ્રયાસોથી દ્વારા 19મું અંગદાન કરાવવામાં આવ્યું. જેના થકી અન્ય પાંચ લોકોનાં જીવનદીપી ઉઠ્યા છે
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
