<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 10 કેદીઓ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે:પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી

દાહોદ સબ જેલમાંથી પણ 1 બદીવાન પરીક્ષા આપવા માટે વડોદરા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરાશે

વડોદરા :આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં વડોદરાની મધ્યસ્થ જેલમાંથી પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. ત્યારે કેદીઓને પણ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. ખાસ વેલ્ફેર અધિકારી મહેશ રાઠોડ દ્વારા પરિક્ષાર્થી કેદીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.10 અને 12ની પરીક્ષાનો આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થનાર છે. જેને અનુલક્ષીને વડોદરાની સેન્ટ્રલ જેલમાં પણ આ વર્ષે કેદી પરીક્ષાર્થીઓ માટે જેલમાં જ અલગ સેલ બનાવવામાં આવ્યો છે જયાં કેદી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની 27 મી ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષામાં ધો.10-12ની પરીક્ષામાં કુલ 65,508 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં ધો.10 માટે 153 પરીક્ષા સ્થળના 1,522 બ્લોકમાં 43,873 છાત્રો પરીક્ષા આપશે. જ્યારે ધો. 12ના સામાન્ય પ્રવાહમાં 62 પરીક્ષા સ્થળના 568 બ્લોકમાં 18,128 છાત્રો અને વિજ્ઞાન પ્રવાહમાં 37 પરીક્ષા સ્થળના 334 બ્લોકમાં 6,507 મળી એચસીસીમાં કુલ 24,635 પરીક્ષાર્થી નોંધાયા છે.

આ પરીક્ષામાં વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી 10 અંતેવાસી પરીક્ષા આપવાના હોઈ તેઓની માટે જેલમાં જ પરીક્ષા કેન્દ્ર તરીકે સેલની ફાળવણી કરવામાં આવી છે. વડોદરાની જેલમાંથી 10 જેટલા બંદીવાનો પરીક્ષા આપનાર છે. જેને લઇને વેલ્ફેર અધિકારી દ્વારા જેલમાં આ પરીક્ષા આપનાર કેદીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. જેમની માટે એક અલગ સેલ બનાવવામાં આવ્યો છે.જ્યાં કેદી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

હાલ વેલ્ફેર અધિકારી મહેશભાઈ રાઠોડ દ્વારા તેમને પરીક્ષાને લઈને ખાસ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ વખતે એસએસસીમાં 4 બદીવાનો જેમાં 2 રિપીટર અને 2 ફ્રેશર પરીક્ષા આપશે. એચએસસીમાં 4 બદીવાનો જેમાં દાહોદ સબ જેલમાંથી પણ 1 બદીવાન પરીક્ષા આપવા માટે વડોદરા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવામાં આવશે. જેલમાં જે સેલમાં પરીક્ષા આપવામાં આવશે. ત્યાં સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ બદીવાનો પરીક્ષા આપશે.

 

(9:27 PM IST)