<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

જાન્યુઆરીમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સૌથી વધુ 1.63 લાખ લોકોએ મુસાફરી કરી

આખા મહિના દરમિયાન ડોમેસ્ટિકની 1,326 ફ્લાઈટ અને ઇન્ટરનેશનલની 126 મળી કુલ 1,452 ફ્લાઈટની મૂવમેન્ટ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દેશ-વિદેશમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. સુરત એરપોર્ટ ખાતે જાન્યુઆરી, 2025માં 1,63,951 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. છેલ્લે ડિસેમ્બર, 2024માં સૌથી વધુ 1,57,356 લોકોએ સુરત એરપોર્ટથી દેશ-વિદેશમાં પ્રવાસ કર્યો હતો.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી દરરોજ 14થી 16 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટની મૂવમેન્ટ હોય છે. જ્યારે શારજાહ, દુબઈ અને બેંગકોંગની સરેરાશ બે ફ્લાઈટની મૂવમેન્ટ રહે છે. સુરત એરપોર્ટ ખાતેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટની મૂવમેન્ટ વધવા સાથે તેનો સીધો ફાયદો પ્રવાસીઓની સંખ્યામાં જોવા મળી રહ્યો છે.

જાન્યુઆરી, 2025માં સુરત એરપોર્ટથી દેશ-વિદેશમાં 1,63,951 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. જેમાં ડોમેસ્ટિક 1,45,917 અને ઈન્ટરનેશનલ 18,034 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જ્યારે આખા મહિના દરમિયાન ડોમેસ્ટિકની 1,326 ફ્લાઈટ અને ઇન્ટરનેશનલની 126 મળી કુલ 1,452 ફ્લાઈટની મૂવમેન્ટ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા 1,63,951 મુસાફરોના આંકડાએ ડિસેમ્બર, 2024માં નોંધાયેલા 1,57,356 પ્રવાસીના આંકડાનો રેકોર્ડ તોડયો છે. તે પહેલા આ રેકોર્ડ 1,54,667 પ્રવાસી સાથે મે, 2019માં નોંધાયો હતો. જોકે, તે સમયે વિદેશ (શારજાહ)ની ફક્ત એક ફ્લાઈટ હતી અને તે પણ અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ ચાલતી હતી. જયારે તે વખતે 16થી 18 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટની મૂવમેન્ટ રહેતી હતી. જાન્યુઆરી, 2025માં પ્રવાસીઓનો આંકડો ઇન્ટરનેશનલ ફ્લાઈટને કારણે વધ્યો છે.

હાલ અઠવાડિયમાં 14 જેટલી ઇન્ટરનેશનલ ફ્લાઈટની મૂવમેન્ટ રહે છે. મે, 2019ની તુલનામાં જાન્યુઆરી, 2025માં ડોમેસ્ટિક પ્રવાસી ઓછા હોવાનું જાણકારોનું કહેવું છે. એક સમયે સુરત એરપોર્ટ ખાતે ચાર એરલાઈન્સ કંપનીની ફ્લાઈટ ઉડાન ભરતી હતી. જ્યારે હાલ ફક્ત બે એરલાઈન્સ કંપની સુરત એરપોર્ટ ખાતે સક્રિય છે.

(11:51 AM IST)