<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

કાલે ‘અમદાવાદ’નો સ્થાપના દિવસઃ ભદ્રકાળી માતાજી સવારે નગરયાત્રાએ નીકળશે

6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી જૂના શહેરના વિસ્તારમાં ફરશે.

અમદાવાદઃ 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રિ પર્વ પણ છે. ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી જૂના શહેરના વિસ્તારમાં ફરશે.

 

અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજીની સવારે 7:00 વાગ્યે આરતી અને પૂજા થશે. ભદ્ર પરિસરમાં આવેલા માતાજીના પંજાની આરતી અને પૂજા થશે. ત્યારબાદ માતાજીની પાદુકા રથમાં મૂકવામાં આવશે. અમદાવાદના નગરપતિ એટલે કે, મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે, જેમાં મોરપીંછથી રસ્તો વાળી માતાજીની નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે.

આ નગરયાત્રા ભદ્ર પરિસરથી ત્રણ દરવાજા થઈ માણેકચોક માણેકનાથ દાદાની આરતી કરવામાં આવશે. ત્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચશે, જ્યાં ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આરતી ઉતારશે. ત્યારબાદ ખમાસાથી જમાલપુર જગન્નાથ મંદિર ખાતે જશે, ત્યાં જગન્નાથ મંદિરે આરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ રિવરફ્રન્ટ પાસે સાબરમતી નદી ખાતે જશે.

(10:48 PM IST)