News of Thursday, 27th February 2025
અકસ્માતમાં મૃત્યુને ભેટેલા યુવકના માતા પિતાને ૬૪ લાખનું વળતર મળશે
૯ ટકા વ્યાજ સાથે આપવા એકસિડન્ટ ટ્રીબ્યુનલનો આદેશઃ સિનિયર એડવોકેટ હરેનભાઇ સેજપાલની દલીલો માન્ય

રાજકોટ, તા. ર૭: અમદાવાદના વાસણા વિસ્તારના ર૪ વર્ષના હોનહાર અને માતા પિતાના ઉજવળ ભવિષ્ય દાતા યુવાન અનુપ ધુગને ઉત્તરાખંડમાં નીપજેલ જીવલેણ અકસ્માતમાં એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ અદાલતે વીમા કંપનીને ૬૪.રર લાખ ૯ ટકા વળતર સાથે ચુકવવા આદેશ આપ્યો છે.
આ ચર્ચાસ્પદ મામલામાં સિનિયર એડવોકેટ હરેનભાઇ સેજપાલ દ્વારા રૂપિયા ૧ કરોડ ચુકવવા કાયદાકીય તથ્યો સાથે ધારદાર દલીલો રજુ કરી હતી.
જેમાં એવી રજુઆત કરાઇ હતી કે, વાસણામાં રહેતા દિલીપ ધુગેનો પુત્ર અનુપ બી.ઇ. મિકેનીકલ થયો હતો. અને તેને અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં માર્કેટીંગ વિભાગમાં નોકરી મળી હતી. અને ૧ વર્ષની ટ્રેનિંગ માટે અનુપને રૂા. પ.પ૦ લાખનું વાર્ષીક પેકેજ અપાયું હતું.
અનુપ કંપનીના કામ અર્થે ઉત્તરાખંડના રૂદ્રપુરા ગયો હતો. માર્ચ ર૦૧૮ માં તે સહકર્મી સાથે બાઇક પર જઇ રહયો હતો ત્યારે રોંગ સાઇડથી પુરઝડપે આવેલા એક વાહને બાઇકને ટકકર માતા તેનુ મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે રૂદ્રાપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. અને આરોપી વિરૂધ્ધ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ થયેલી છે. યુવકના માતા-પિતાએ વૃધ્ધાવસ્થામાં તેમના જીવનનિર્વાહ માટે ૧ કરોડના વળતરની માગણી કરી હતી. ટ્રિબ્યુનલે બન્ને પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી રેકોર્ડ પર લેવામાં આવેલા પુરાવાને આધારે ઉપરોકત વળતર વ્યાજ સાથે ચુકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.(૬.૧)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
