તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 27th February 2025
વિધાનસભામાં કેસરી રંગની સાયકલ અને ભગવો રંગ ગાજયો
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્નો કરતા હર્ષ સંઘવી અને શંકર ચૌધરીએ આપ્યા જવાબ :કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારે કહયું મંત્રીઓની ગાડી પણ સફેદ કરી દયોઃ તેના જવાબમાં હર્ષ સંઘવીએ કહયું કેસરી રંગ અમારા દિલમાં છે એટલા માટે અમને સફેદ ગાડીમાં બેસવા મળે છે

રાજકોટઃ વિધાનસભા ગૃહમાં આજે ભગવો રંગ ખૂબ ગાજયો હતો. વિદ્યાર્થીઓને આપવામાં આવતી કેસરી કલરની સાઇકલ આપવાના મામલે ચર્ચા છેડાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પુછેલા પ્રશ્નોના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જવાબો આપ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં પ્રશ્ન પુછયો હતો કે વિદ્યાર્થીઓને ભગવા રંગની સાઇકલનું કેમ વિતરણ કરવામાં આવે છે તમે એવો તર્ક આપો છો કે સાઇકલ ઉપર કેસરી કલર એટલે રાખવામાં આવે છે કારણ કે અકસ્માત ન સર્જાય તો પછી મંત્રીઓની ગાડીઓનો કલર સફેદ છે મંત્રીઓની ગાડીઓના પણ બહુ અકસ્માત થાય છે. જેથી મંત્રીઓની ગાડીઓમાં સફેદના બદલે કેસરી કલર જ કરાવી દેવો જોઇએ.
દરમિયાન રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે આમારા દિલમાં કેસરી રંગ છે એટલે અમે સફેદ રંગની ગાડીમાં બેસી શકીએ છીએ. કોંગી ધારાસભ્યો વર્ષોથી સફેદ રંગની ગાડીથી દૂર કેમ છે ? તેમ કહી કોંગી ધારાસભ્યોને ટોણો માર્યો હતો.
જવાબમાં શૈલેષ પરમારે કહયું હું પણ હિન્દુ છું. ભગવા રંગના કારણે અકસ્માત ન થાય એ મારા મગજમાં બેસતું નથી. મને પણ ખબર છે ભગવા રંગનું શું મહત્વ છે.
આ તકે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવેલ કે, તમે કેસરી રંગ ઉપર વાત કરો છો, પરંતુ સૂર્ય ઉગતો હોય ત્યારે કેસરી રંગ દેખાય છે અગ્નિની જવાળા પણ કેસરી હોય છે. આમ, સાઇકલના મુદ્દે વિધાનસભામાં ભારે ધમાલ મચી ગઇ હતી.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
