News of Thursday, 6th March 2025
પ્રધાનમંત્રીની સુરક્ષા કરશે ગુજરાતના મહિલા બ્રિગેડ
ગુજરાતના ઈતિહાસમાં માઈલસ્ટોન પગલુંઃ૨૪૨૦ મહિલા પોલીસ અધિકારી કમર્ચારીઓ મળીને એરપોર્ટ રૃટથી લઈને સમગ્ર કાર્યક્રમની સુરક્ષાની વ્યવસ્થા સંભળાશે

ગાંધીનગર,તા.૬
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ૧.૫૦ લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે. ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્રને માતા મહિલા પોલીસ અધિકારી કમર્ચારીઓ સંભાળશે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલીસિંગ અને લૉ એન્ડ ઓર્ડર ક્ષેત્રે માઇલ સ્ટોન સ્ટેપ સાબિત થશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, વડાપ્રધાનના કાર્યક્રમમાં લો અને ઓર્ડરથી લઈને સમગ્ર કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. હેલિપેડથી લઈને રૃટ, અને રૃટથી લઈને સભા સ્થળની સપૂર્ણ વ્યવસ્થાઓની ઉપર ગુજરાતના મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે.
સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા ૨૧૪૫ મહિલા પોલીસ કોન્સ્ટેબલ, ૧૮૭ મહિલા પીએસઆઈ, ૬૧ મહિલા પીઆઈ, ૧૯ મહિલા ડીવાયએસપી, ૫ મહિલા એસપી, ૧ મહિલા ડીઆઈજી અને ૧ મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.
મંત્રીએ કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ભારતનો આ સૌ પ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે, જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા પોલીસ અધિકારી કમર્ચારીઓ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત સાંભળવામાં આવશે.
બીજી તરફ પુરુષ પોલીસ અધિકારી- કમર્ચારીઓ માત્ર પાર્કીંગ અને ટ્રાફીક મેનેજમેન્ટ જેવી જગ્યાએ રહેશે. મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય તમામ સ્થળો પર મહિલા પોલીસ અધિકારીઓ ફરજ બજાવશે તે માટે મંત્રીએ મહિલા અધિકારીઓ કમર્ચારીઓને અભિનંદન પાઠવ્યા છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
