News of Thursday, 6th March 2025
ગાંધીનગરના સરગાસણમાં ડબલ મર્ડર: પત્ની અને પુત્રને મારી નાખ્યા બાદ હતાશ પતિએ પોતાના હાથની નસ કાપી
મૂળ સુરેન્દ્રનર જિલ્લાના હરેશ કનુભાઈ વાઘેલા પત્ની આશાબેન અને પાંચ વર્ષના પુત્ર સહિતના પરિવાર સાથે છેલ્લા દોઢ વર્ષથી સરગાસણ સ્થિત નેનોસિટી-1માં રહેતા હતા

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ પોતાના પુત્ર અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનર જિલ્લાના હરેશ કનુભાઈ વાઘેલા (42) પત્ની આશાબેન અને પાંચ વર્ષના પુત્ર સહિતના પરિવાર સાથે છેલ્લા દોઢ વર્ષથી સરગાસણ સ્થિત નેનોસિટી-1માં રહેતા હતા. જ્યાં તેમના પાડોશીએ કોઈ કામ અર્થે હરેશભાઈના ઘરે ગયા હતા, જ્યાં ઘરનો દરવાજો બંધ હતો. જેથી પાડોશીએ ધક્કો મારતા દરવાજો ખુલી ગયો હતો.
જે બાદ પાડોશીએ અંદર જઈને જોયું તો, હરેશભાઈ બેભાન થઈને પડ્યા હતા અને તેમના હાથમાંથી સતત લોહી નીકળતું હતુ. જ્યારે નીચે તેમના પત્ની આશાબેન પડ્યા હતા. જ્યારે તેમની બાજુમાં 5 વર્ષનો દીકરો પણ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ દ્રશ્યો જોઈને પાડોશીએ બૂમો પાડતા આસપાસના અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. આ બાબતની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ મથકની ટીમ તેમજ FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે હરેશભાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે તેમના પત્ની અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં હરેશભાઈને શેરબજારમાં દેવું થઈ ગયું હતુ. આર્થિક સંકડામણથી ત્રસ્ત હરેશભાઈએ સૌ પ્રથમ પત્નીનું ગળું ઘોંટીને મોતને ઘાટ ઉતાર્યા બાદ દીકરાનું માથું તિજોરી સાથે જોરથી ભટકાવ્યું હશે, જેના કારણે તે મોતને ભેટ્યો હશે. જે બાદ પોતે પણ હાથની નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવો જોઈએ. હાલ તો પોલીસે આ મામલે સ્યૂસાઈડ નોટ કબજે કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
