News of Monday, 10th March 2025
સુરતમાં સ્માર્ટ મીટરને લઈને રાજકારણ શરૃ થયું
આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધઃબિલની રકમ વધારે આવતી હોવાને લઈને લોકોમાં પણ સ્માર્ટ મીટરને લઈને રોષ જોવા મળી રહ્યો છે

સુરત,તા.૧૦
સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર કચેરી સૂત્રોચ્ચાર કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો. સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ન ધરવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી.
જેથી હાલ સુરતમાં આ સ્માર્ટ મીટરનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમાં આમ આદમી પાર્ટીએ કરેલા આ કામને લઈને શહેરમાં ચર્ચા મચી જવા પામી છે.
સરકાર દ્વારા જ્યારથી સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે ત્યારથી આ મીટરનો વિરોધ અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે થઈ રહ્યો છે. કેટલીક જગ્યા પર સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવી પણ દેવામાં આવ્યા છે. ત્યારે લોકોને બિલ વધારે આવતું હોવાની ઘણી ફરિયાદો પણ વીજ કંપનીને થઈ રહી છે અને બિલની રકમ વધારે આવતી હોવાને લઈને લોકોમાં પણ સ્માર્ટ મીટરને લઈને રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
થોડા દિવસો પહેલા લોકગાયક કિર્તીદાન ગઢવી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની મુલાકાત દરમિયાન સ્માર્ટ મીટરના વખાણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદથી ફરીથી રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધનું ભૂત ધૂણવા લાગ્યું અને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્માર્ટ મીટર લોકોના ઘરે ન લગાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા તેમજ સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્યવ્યાપી વિરોધની શરૃઆત આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાંથી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર સ્માર્ટ મીટરની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ પહેલાં સરકારે ગુજરાતની અંદર સ્માર્ટ શાળા, સ્માર્ટ દવાખાના અને સ્માર્ટ સિસ્ટમ લાગુ કરવાની જરૃર છે. લોકોને એક તરફ પાયાની સુવિધાઓ મળતી નથી અને બીજી તરફ સરકાર દ્વારા સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવીને લોકોને લૂંટવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર સ્માર્ટ મીટર સરકાર દ્વારા લગાવવામાં ન આવે તે માટે સુરતથી વિરોધની શરૃઆત કરવામાં આવી છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
