<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ગુજરાતમાં એક બાજુ વિધાનસભાનું સત્ર અને બીજી બાજુ લેબ ટેક્નિશિયનના 1800થી વધુ કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે ગાંધીનગરમાં ધામા નાખ્યા : ગ્રેડ પેની વિસંગતતાનો વિરોધ

વર્ષ 1992માં GRમાં થયેલી ખામીને દૂર કરી ગ્રેડ પે સુધારવામાં આવે. આ સિવાય કોરોનાકાળમાં 130 દિવસની જાહેર રજાઓમાં તમામ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા. ત્યારની કામગીરીનો પગાર કરવામાં આવે તેમજ કામના વધતા ભારણને પહોંચી વળવા માટે સહાયક આપવામાં આવે સહિતની માગણી

અમદાવાદ તા.૧૧ : ગુજરાતમાં એક બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, ત્યારે વધુ એક વિભાગે રાજ્ય સરકાર સામે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આરોગ્ય વિભાગના લેબ ટેક્નિશિયનના 1800થી વધુ કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણાં પર ઉતર્યા છે. જેમાં ગ્રેડ પેની વિસંગતતાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિવિલ, CHC, PHC હસ્તકના ટેક્નિશિયન GRમાં થયેલી ખામી દૂર કરી ગ્રેડ પે સુધારવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.

ગુજરાત લેબ ટેક્નિશિયન ઍસોસિયેશનના પ્રમુખ જયેશ સોલંકીએ આંદોલનની પોતાની માંગ વિશે જણાવ્યું કે, 'અમારી મુખ્ય માંગ છે કે, વર્ષ 1992માં GRમાં થયેલી ખામીને દૂર કરી ગ્રેડ પે સુધારવામાં આવે. આ સિવાય કોરોનાકાળમાં 130 દિવસની જાહેર રજાઓમાં તમામ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા. ત્યારની કામગીરીનો પગાર કરવામાં આવે તેમજ કામના વધતા ભારણને પહોંચી વળવા માટે સહાયક આપવામાં આવે.'

આંદોલન કરી રહેલાં એક લેબોરેટરી ટેક્નિશિયને જણાવ્યું કે, '30 વર્ષથી અમે GRને લઈને પગારમાં વિસંગતતાને લઈને તંત્રની રજૂઆત કરી રહ્યા છીએ. છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. છેવટે અમારે ધરણાંનો નિર્ણય લેવો પડ્યો છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી ધરણાં, આંદોલન અને રેલીનું આયોજન છે. સરકારના ચાર વિભાગમાંથી એક વિભાગમાં નિયમ મુજબની ભરતી અને પગાર થાય છે, તો અન્ય વિભાગમાં કેમ નથી થતા? અમારી માંગ છે કે, અમને પણ નિયમાનુસાર પગારધોરણ આપવામાં આવે અને સમયસર યોગ્ય ભરતી કરવામાં આવે.'

(3:45 PM IST)