News of Tuesday, 11th March 2025
ફ્રૂટનાં વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યા :અડાલજ પાસે ગાંધીનગર ક્રાઈમ બ્રાંચનાં પોલીસ કર્મી બનીને 4 શખ્સો આવ્યા અને વેપારીનું અપહરણ કરી કડીનાં ખેતરમાં લઈ ગયા અને વેપારીના કપડા કાઢી એક કરોડ રૂપિયાની માંગ કરીને 12 હજાર રોકડા, 600 દિરહામ અને ધડિયાળ, મોબાઈલ પડાવી લીધા
ફોન પર અજાણી યુવતીનો મીસકોલ આવતા સામે ફોન કરતા યુવતીએ ફોન ઉપાડી રેહાનનું કામ હોવાનું જણાવ્યું હતુ, જેથી વેપારીએ પોતે રેહાન ન હોવાનું જણાવી ફોન મુકી દીધો હતો. જેના અડધો કલાક પછી તે યુવતીએ વ્હોટ્સએપ પર ફોન કરી પોતાનુ નામ કાયનાત સૈયદ હોવાનું જણાવી પોતાની નોકરીની જૂરૂર હોવાનું કહ્યું

અમદાવાદ તા.૧૧ ; શહેરના નરોડાનાં ફ્રૂટનાં વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની છે. અજાણી યુવતીએ પહેલા ફોન અને મેસેજ કરી વેપારી પાસે નોકરીની માંગ સંપર્ક કેળવ્યો હતો. બાદમાં વેપારીને મળવા બોલાવી અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો. બાદમાં અડાલજ પાસે ગાંધીનગર ક્રાઈમ બ્રાંચનાં પોલીસ કર્મી બનીને 4 શખ્સો આવ્યા અને વેપારીનું અપહરણ કરી કડીનાં ખેતરમાં લઈ ગયા હતા. વેપારીના કપડા કાઢી એક કરોડ રૂપિયાની માંગ કરી બાદમાં 12 હજાર રોકડા, 600 દિરહામ અને ધડિયાળ, મોબાઈલ પડાવી લીધા હતા. અંતે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નોકરીનાં નામે વાત કરવાનું શરૂ કર્યું
અમદાવાદનાં જુહાપુરામાં રહેતા અને નરોડા ફ્રૂટ માર્કેટમાં ફ્રૂટનો હોલસેલનો વેપાર કરતા વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત 8 ફેબ્રુઆરીનાં તેઓનાં ફોન પર અજાણી યુવતીનો મીસકોલ આવ્યો હતો, તેમણે સામે ફોન કરતા યુવતીએ ફોન ઉપાડી રેહાનનું કામ હોવાનું જણાવ્યું હતુ, જેથી વેપારીએ પોતે રેહાન ન હોવાનું જણાવી ફોન મુકી દીધો હતો. જેના અડધો કલાક પછી તે યુવતીએ વ્હોટ્સએપ પર ફોન કરી પોતાનુ નામ કાયનાત સૈયદ હોવાનું જણાવી પોતાની નોકરીની જૂરૂર હોવાનું કહ્યું હતું. જે પછી યુવતીએ વેપારીને વીડિયો કોલ કરી રડવાનું શરૂ કર્યું હતું, જેથી વેપારીએ નોકરી માટેની વિગતો મેળવી નોકરીનું સેટ કરાવી આપવાની બાંહેધરી આપી હતી.
વેપારીને મળવા બોલાવી કેફેમાં લઈ ગઈ
વેપારીએ યુવતી પાસેથી બાયોડેટા માંગતા તેણે પોતાને બાયોડેટામાં ખબર ન પડતી હોવાનું જણાવી પોતે કોઈ દિવસ ઈન્ટરવ્યૂ આપ્યું નથી તેમ જણાવ્યું હતું. જે પછીથી યુવતી રોજે રોજ વેપારીને ફોન કરતી હતી, ત્રણ દિવસ બાદ યુવતીએ વેપારીને મળવાનું કહેતા વેપારીએ ગુરૂદ્વારા પાસે મળવા બોલાવી હતી, જ્યાંથી બન્ને સીંધુભવન ખાતે કેફે પર ગયા અને બાદમાં છુટા પડ્યા હતા.
પેથાપુર ઘરે મુકી જવાની કરી જીદ
25 ફેબ્રુઆરી 2025 નાં રોજ યુવતીએ ફરી વેપારીને કોલ કર્યો હતો અને તે રડવા લાગી હતી. મકાન માલિક મકાન ખાલી કરાવે છે અને પૈસા નથી જોઈતા, મને નોકરીનું કરાવી આપો તેમ જણાવ્યું હતું. બીજા દિવસે રાતનાં સમયે યુવતીએ મળવા બોલાવતા વેપારી ગુરૂદ્વારા પાસે મળવા ગયા હતા. જે સમયે યુવતીએ વેપારી સાથે રાત રોકાઈ જવાની વાત કરી હતી, વેપારીએ ઈન્કાર કરતા તેણે પોતાનાં પેથાપુર ખાતે ઘરે મુકી જવાનું કહ્યું હતું. વેપારીને કામથી બહાર જવાનું હોવાથી તે સતત યુવતીને ઈન્કાર કરતા હતા પણ તે માનતી ન હતી. અંતે વેપારી તેને મુકવા ગાડીમાં જઈ રહ્યા હતા જે દરમિયાન અડાલજ પાસે પહોંચતા યુવતીએ વામીટીંગ થતી હોવાનું કહીને ગાડી રોકાવી હતી, તે વખતે રાતનાં સાડા બાર વાગે આસપાસ સમય હતો અને તેણે ત્યાંથી કોઈને ફોન કરી વેપારી મુકવા આવતા નથી તમે અહિંયા આવો એવુ કહીને કોઈને ફોન કર્યા હતા.
અચાનક કારમાં નકલી પોલીસ આવી
10 મીનીટ પછી એક અર્ટિગા કારમાં 4 શખ્સો આવ્યા હતા, જેમણે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચ ગાંધીનગરનાં પોલીસ હોવાની આપી હતી. તે શખ્સોએ યુવતી 3 મહિનાથી ગુમ હોવાનું જણાવી વેપારી અને યુવતીને કારમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું હતું. દોઢ કલાક બાદ તમામ શખ્સો વેપારીને કડી કેનાલ બાજુ લઈ ગયા હતા. જ્યાં કટોસણ ખાતે એક ખેતરમાં લઈ જઈ યુવતીને કારમાંથી ઉતારી દીધી હતી. જે પછી વેપારીની ગાડીમાંથી 12 હજાર રોકડા, 600 દીરહામ, એક ફોસીલની ધડિયાળ, એરબર્ડ, મોબાઈલ ફોન સહિતની તમામ વસ્તુઓ લઈ લીધી હતી. ગાડીમાં આવેલા 5 થી 6 શખ્સો વેપારીને ખેતરની વચ્ચે લઈ ગયા અને કપડા કઢાવ્યા હતા. વેપારીને લાકડી અને પાઈપથી માર માર્યો હતો. બાદમા એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. વેપારીએ પોતાની પાસે આટલા રૂપિયા ન હોવાનું જણાવતા વેપારીને ત્યાં જ મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ આવતા તમામ થયા ફરાર
બાદમાં વેપારીનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં હોવાનું જાણીને એક શખ્સે 10 હજાર યુએસડીટી મંગાવવાનું કહ્યું હતું. વેપારીએ પોતાનાં ભાઈને ફોન પણ કર્યો જોકે તેઓનાં ભાઈએ ફોન ઉપાડ્યો ન હતો. બાદમા આરોપીઓએ ફરી વાર વેપારીને મારવાનું શરૂ કર્યું હતું. 10 લાખ રૂપિયાની માંગણી કરતા વેપારીએ પોતાનાં મિત્રને ફોન કરી વાત કરી હતી. થોડી વારમાં રોડ પર લાઈટો થતા તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા, વેપારીનો મિત્ર પોલીસને લઈને આવતા વેપારીનો આબાદ બચાવ થયો હતો. જે બાદ આ સમગ્ર મામલે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે વેપારીની ફરિયાદનાં પગલે યુવતી સહિતનાં આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
