News of Tuesday, 11th March 2025
હીટવેવની આગાહી વચ્ચે શાળાના સમયમાં કરાયો ફેરફાર
અમદાવાદ સ્કૂલ બોર્ડનો મહત્ત્વનો નિર્ણયઃઉનાળુ વેકેશન શરૃ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે.

અમદાવાદ,તા.૧૧
ગુજરાતના અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળો શરૃ થઈ ગયો છે. ઉનાળાની શરૃઆતમાં જ અમદાવાદમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે અનેક શહેરોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. એવામાં અમદાવાદ મનપાના હીટ એક્શન પ્લાનને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી કરીને બાળકોને શાળાએ આવવા-જવાના સમયમાં લૂ લાગવાની સમસ્યા ન થાય, તેમજ વિદ્યાર્થીઓ બીમાર ન પડે.
AMC ના હીટ એક્શન પ્લાનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે ઉનાળું વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કર્યો છે.
શિક્ષણ બોર્ડે સવાર પાળીનો સમય ૭ થી ૧૨ અને બપોર પાળીનો સમય ૧૨ થી ૫ સુધીનો કર્યો છે.
નોંધનીય છે કે, ૫ મેથી ઉનાળુ વેકેશન શરૃ થવાનું છે. ત્યારે ઉનાળુ વેકેશન શરૃ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ૧૧મી માર્ચ, ૨૦૨૫ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
