ભારતીય સંસ્કૃતિમાં નારી વિદ્યા, વીરતા અને જગતજનની રૂપે પૂજનીય છે : આચાર્ય દેવવ્રત જી
દયાનંદ મહિલા મહાવિદ્યાલય, કુરુક્ષેત્રમાં યુનિવર્સિટી સ્તરીય એન.એસ.એસ. શિબિરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરણાદાયી સંબોધન:આપણે સશક્તિકરણ, પ્રગતિ, સ્વતંત્રતા અને આધુનિકતાના નામે પશ્ચિમી સંસ્કૃતિને પ્રાધાન્ય આપવાની આવશ્યકતા નથી

ગાંધીનગર : કુરુક્ષેત્ર સ્થિત દયાનંદ મહિલા મહાવિદ્યાલયમાં ચાલી રહેલી યુનિવર્સિટી કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું. તેમણે સંસ્કાર, આત્મનિર્ભરતા અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં નારીને વિદ્યા, વીરતા અને જગતજનની રૂપે પૂજનીય માનવામાં આવે છે. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજના માધ્યમથી સ્ત્રીઓના ગૌરવ અને સન્માનનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.
તેમણે સ્વયંસેવિકા વિદ્યાર્થીનીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, આ વય સારા વિચારો અને સંસ્કારો ગ્રહણ કરવાની છે, જેના પર ભવિષ્યમાં મજબૂત પાયાની ઈમારત ઊભી કરી શકાશે. તેમણે યુવા છાત્રાઓને ચેતવતાં કહ્યું કે, આપણે સશક્તિકરણ, પ્રગતિ, સ્વતંત્રતા અને આધુનિકતાના નામે પશ્ચિમી સંસ્કૃતિને પ્રાધાન્ય ન આપીને, દેશ અને સમાજ પ્રત્યે દાયિત્વની ભાવના વિકસિત કરવાની જરૂર છે.
આ કાર્યક્રમની શરૂઆત આચાર્ય દેવવ્રતજીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રજ્વલન કરીને કરી હતી. કાર્યક્રમમાં મહાવિદ્યાલય વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, શિબિર સંયોજક ડૉ. આનંદ કુમાર, વિશિષ્ટ અતિથિ ડૉ. અજય અગ્રવાલ, ડૉ. સુખદેવ ચૌધરી, મહાવિદ્યાલયના આચાર્યા ડૉ. ઉપાસના આહૂજા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાવિદ્યાલય વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકારે કહ્યું હતું કે, આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને આર્ય સમાજના મહાન વિચારક છે. તેમની અવિરત મહેનત અને દૃઢ નિશ્ચયના પરિણામે વડાપ્રધાન મોદીજીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય કૃષિ નીતિમાં મહત્વનું સ્થાન આપ્યું છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે, આજના યુગમાં વૈદિક શિક્ષણની સાથે આધુનિક શિક્ષણનો સમન્વય મહત્વપૂર્ણ છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ લગભગ 5300થી વધુ વિદ્યાર્થીઓ ગુરુકુલીય પદ્ધતિથી શિક્ષણ મેળવી રહ્યા છે.
શિબિર સંયોજિકા ડૉ. સુમન રાજને કેમ્પની વિવિધ પ્રવૃત્તિઓનો વિસતૃત અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ શિબિરની મુખ્ય થીમ "મારા ભારત માટે યુવાનો અને ડિજિટલ સાક્ષરતા" છે. તમામ પ્રવૃત્તિઓ આ થીમ પર કેન્દ્રિત રહી હતી.
કેમ્પના દિવસની સવારની શરૂઆત યોગાભ્યાસ અને મનોરંજક રમતો દ્વારા થઈ હતી. ત્યાર બાદ કુરુક્ષેત્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની સુશ્રી સિમરને વ્યક્તિત્વ વિકાસ પર વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં જીવનમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સંતુલિત રહી યોગ્ય ઉકેલ શોધવાનો સંદેશ આપ્યો હતો. બપોર બાદ ગાયન અને નૃત્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મહાવિદ્યાલયના આચાર્યા ડૉ. ઉપાસના આહૂજાએ રાજ્યપાલનો આભાર માનતાં કહ્યું કે, તેમના માર્ગદર્શન અને આશીર્વાદથી વિદ્યાર્થીઓને નવી પ્રેરણા મળશે. આ અવસરે મહેમાનોને સ્મૃતિચિહ્ન પ્રદાન કરવામાં આવ્યા હતા.. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડૉ. આરતી અગ્રવાલે કર્યું હતું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
